ચીન અને તાઇવાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચીનના સંભવિત આક્રમણ અને વધતા જતા ખતરાનો સામનો કરવા માટે તાઇવાન હવે આધુનિક ટેક્નોલોજીનો સહારો લઈ રહ્યું છે. તાઇવાનની સેના પોતાના દરિયાઈ ટાપુઓની સુરક્ષા માટે હવે ચાર પગવાળા આધુનિક 'રોબોટ ડોગ' (રોબોટિક શ્વાન) તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. આ રોબોટ માત્ર દેખરેખ જ નહીં રાખે, પરંતુ જરૂર પડ્યે દુશ્મનો પર ફાયરિંગ પણ કરી શકશે.
અમેરિકન ટેક્નોલોજી અને તાઇવાનનું મગજ
આ ખાસ રોબોટિક આર્મી શ્વાન અમેરિકન કંપની 'ઘોસ્ટ રોબોટિક્સ' દ્વારા બનાવવામાં આવ્યા છે, જે યુએસ આર્મીને પણ હથિયારો સપ્લાય કરે છે. તાઇવાનની ટોચની હથિયાર નિર્માતા સંસ્થા 'નેશનલ ચુંગ-શાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી' (NCSIST) એ આ રોબોટ્સ પર પોતાની સ્વદેશી સેન્સર્સ અને હથિયાર પ્રણાલી ફિટ કરી છે. આ રોબોટ્સને ત્રણ વર્ઝનમાં તૈયાર કરાયા છે: ટોહી (રેકી), સર્વેલન્સ (નિરીક્ષણ) અને ફાયરપાવર (હથિયારધારી).
દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી ચાલશે
આ ચાર પગવાળા રોબોટ્સ અસલી કૂતરાની જેમ જ ઉબડખાબડ રસ્તાઓ, પથરાળ વિસ્તારો અને રેતાળ દરિયાકિનારા પર સરળતાથી ચાલી શકે છે, જ્યાં સામાન્ય સૈન્ય વાહનો પહોંચી શકતા નથી. દક્ષિણ ચીન સાગરમાં આવેલા પ્રતાસ અને સ્પ્રાટલી જેવા વ્યૂહાત્મક ટાપુઓ પર અત્યારે કોઈ વસ્તી નથી, ત્યાં માત્ર કોસ્ટ ગાર્ડ જ તૈનાત છે. ચીનના ડ્રોન અને જહાજો આ વિસ્તારોમાં સતત ઘૂસણખોરી કરતા હોવાથી આ રોબોટ્સ ત્યાં સૈનિકોના જીવનું જોખમ લીધા વિના ૨૪ કલાક બાજ નજર રાખશે.
શું છે તાઇવાનની પોર્ક્યુપાઇન વ્યૂહરચના?
તાઇવાનની રક્ષા વ્યૂહરચના 'પોર્ક્યુપાઇન સ્ટ્રેટેજી' (Porcupine Strategy) પર આધારિત છે. આ વ્યૂહરચના હેઠળ નાના પરંતુ અત્યંત ઘાતક હથિયારો અને આધુનિક મશીનો દ્વારા મોટા દુશ્મનને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. રોબોટિક ડોગ્સ આ વ્યૂહરચનામાં બરાબર ફિટ બેસે છે કારણ કે તે સસ્તા છે અને સૈનિકોના જોખમને શૂન્ય કરી દે છે.
જો કે, દરિયાની નમકવાળી હવા અને બેટરી લાઈફ જેવી કેટલીક તકનીકી પડકારો હજુ પણ છે, પરંતુ તાઇવાનનો આ આત્મરક્ષણનો નવો પ્રયોગ દર્શાવે છે કે ભવિષ્યના યુદ્ધો માત્ર ઇન્સાન નહીં પણ સ્માર્ટ મશીનો લડશે.
આ પણ વાંચો:California: અમેરિકાનું આ શહેર છે ઈરાની જાસૂસોનો ગઢ? અનેક લોકોની સંડોવણી આવી સામે