અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ કૅલિફોર્નિયાના જાણીતા ટેક પ્રોફેશનલ જમશેદ ઘોમીની ઈરાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. ૬૩ વર્ષીય જમશેદ પર ઈરાનના પરમાણુ કાર્યક્રમને વેગ આપવા માટે ગુપ્ત રીતે પ્રતિબંધિત અમેરિકી કમ્પ્યુટર હાર્ડવેર વેચવાનો ગંભીર આરોપ છે. જ્યારે પોલીસે તેની ઘરમાંથી ધરપકડ કરી ત્યારે સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોરદાર વાયરલ થઈ હતી. લોસ એન્જલસના ટોચના ફેડરલ પ્રોસિક્યુટર બિલ એસ્સેલે જણાવ્યું છે કે જમશેદે પૈસાની લાલચમાં આવીને અમેરિકા સાથે ગદ્દારી કરી છે.


ઈરાન સુધી કેવી રીતે પહોંચાડાતું હતું હાર્ડવેર?

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, જમશેદ ઘોમી છેલ્લા ૧૦ વર્ષથી ઈરાનને ગુપ્ત રીતે કમ્પ્યુટર હાર્ડવેર સપ્લાય કરતો હતો. અત્યાર સુધીમાં તેણે ૨૫૦ ટનથી વધુ અમેરિકી હાર્ડવેર તેહરાન મોકલ્યું છે. તે eBay અને PayPal ની મદદથી આ સાધનો ખરીદતો હતો, થોડા દિવસ પોતાની કંપનીમાં તેનો ઉપયોગ કરતો અને ત્યારબાદ ઈરાનના ગુપ્તચર નેટવર્કને મોકલી આપતો હતો.

આ કાળા કારોબાર દ્વારા જમશેદની કંપની વાર્ષિક 10 મિલિયન ડોલર કમાતી હતી, પરંતુ ટેક્સ બચાવવા માટે ચોપડે માત્ર 20 હજાર ડોલરની જ કમાણી દર્શાવતી હતી. આઈઆરએસ (IRS) ના રિપોર્ટ મુજબ, મે 2011 થી ઓગસ્ટ 2015 દરમિયાન જમશેદના એસ્ક્રો એકાઉન્ટમાં વિદેશી સ્ત્રોતોમાંથી 7 મિલિયન ડોલર ટ્રાન્સફર થયા હતા, જે ઈરાન દ્વારા જ મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે. હવે તેની તમામ સંપત્તિ સીઝ કરીને કડક સજા કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

કૅલિફોર્નિયા બન્યું જાસૂસીનો અડ્ડો!

ચોંકાવનારી બાબત એ છે કે અમેરિકાનું કૅલિફોર્નિયા રાજ્ય છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય જાસૂસોનું કેન્દ્ર બની ગયું છે. છેલ્લા એક જ વર્ષમાં અહીંથી ૪ મોટા જાસૂસો પકડાયા છે.

ગયા મહિને જ કૅલિફોર્નિયાના એક શહેરના પૂર્વ મેયર એલીન વાંગની ચીન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ થઈ હતી.

એપ્રિલ 2026માં લોસ એન્જલસ એરપોર્ટ પરથી 44 વર્ષીય શમીમ માફીની ઈરાન માટે હથિયારોની તસ્કરી કરવા બદલ ધરપકડ કરાઈ હતી.

જુલાઈ 2025 માં એન્જિનિયર મોહમ્મદ ઓસ્તોવારીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે યુએસ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ગેરકાયદેસર રીતે ઈરાન મોકલતો હતો.

એક પછી એક મોટા નામોના ખુલાસા થતાં અમેરિકી એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.

આ પણ વાંચો:Pakistan:પાકિસ્તાનીઓને પોતાના દેશ પર નથી ભરોશો કહ્યું "અમારો મુલ્ક ખોટા રસ્તે છે"

  • Follow us on: