પાકિસ્તાનની જનતાનો પોતાના જ દેશની આર્થિક સ્થિતિ અને ભવિષ્ય પરથી ભરોસો સતત ડગી રહ્યો છે. વૈશ્વિક માર્કેટ રિસર્ચ કંપની ઈપ્સોસ (Ipsos) દ્વારા કરવામાં આવેલા એક લેટેસ્ટ સર્વેમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સર્વે અનુસાર, પાકિસ્તાનના 80% લોકોનું માનવું છે કે તેમનો દેશ સાચી દિશામાં નથી જઈ રહ્યો, જ્યારે માત્ર 20% લોકો જ દેશના ભવિષ્યને લઈને સકારાત્મક છે. પાકિસ્તાનના ચારેય પ્રાંતો સહિત ઇસ્લામાબાદ, ગિલગિત-બાલ્ટિસ્તાન અને પીઓકે (AJK) માં રહેતા 1,000 થી વધુ લોકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો.
મોંઘવારી અને બેરોજગારીથી જનતા ત્રસ્ત
સર્વેના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં હાલની સ્થિતિ કોરોના મહામારીના સમય જેવી કપરી બની ગઈ છે. લોકોએ મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટને દેશની સૌથી મોટી સમસ્યા ગણાવી છે. જ્યારે જનતાને દેશની અર્થવ્યવસ્થા વિશે પૂછવામાં આવ્યું ત્યારે 5માંથી માત્ર 1 વ્યક્તિએ જ (20%) સ્વીકાર્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ મજબૂત છે. આ વર્ષના પ્રારંભમાં અમેરિકા-ઈરાન તણાવ દરમિયાન દેશની દિશા પર લોકોનો ભરોસો 40% સુધી પહોંચ્યો હતો, જે હવે ફરીથી ઘટીને માત્ર 22% પર આવી ગયો છે.













