ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે? હાલ તો આ અંગે સસ્પેન્સ યથાવત છે, પરંતુ ઉચ્ચ સ્તરીય સૂત્રોએ સંકેત આપ્યો છે કે ભાજપ એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપને પહેલીવાર મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના ટોચના નેતૃત્વમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે, જેમાં ઘણી અગ્રણી મહિલા નેતાઓના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે. સંગઠનાત્મક સંતુલન, મહિલા સશક્તિકરણ અને આગામી ચૂંટણી વ્યૂહરચનાના સંદર્ભમાં આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે રાજકીય ગલિયારાઓમાં નિર્મલા સીતારમણ, વનથી શ્રીનિવાસન અને ડી પુરંદેશ્વરીના નામ ચર્ચામાં છે. ચાલો જાણીએ એક પછી એક ત્રણ મહિલા નેતાઓ વિશે...
નિર્મલા સીતારમણ
દેશના હાલના નાણા મંત્રી નિર્મલા સિતારમણને અધ્યક્ષ પદ માટેની દોડમાં સૌથી આગળ માનવામાં આવે છે. તેમણે હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્જા અને મહાસચિવ બીએલ સંતોષ સાથે પાર્ટીના મુખ્યાલયમાં મુલાકાત કરી હતી. તેમની નિયુક્તિથી પાર્ટી સાથેના ઘણા રણનીતિક લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. જો તેમને આ પદ પર નિયુક્ત કરવામાં આવે તો ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે.
ડી પુરંદેશ્વરી
ડી. પુરંદેશ્વરીનું આંધ્રપ્રદેશની રાજનીતિમાં મહત્વનું સ્થાન છે. તેઓ આંઘ્રપ્રદેશના સાંસદ છે અને તેમણે રાજ્યમાં ભાજપ અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી છે. પુરંદેશ્વરીને સુષ્મા સ્વરાજની જેમ પ્રભાવશાળી વક્તા માનવામાં આવે છે. તેમની બે પ્રમુખ રાષ્ટ્રીય દળોમાં સફળ કારકીર્દી રહી છે. તેમની તેલુગુ, તમિલ, હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ ભાષામાં પકડ છે. તેમને 2023માં આંધ્રપ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વનથી શ્રીનિવાસન
વનથી શ્રીનિવાસન એક જાણીતા વકીલથી રાજનેતા બન્યા છે. જે હાલમાં તમિલનાડુ વિધાનસભામાં કોયમ્બતુર સાઉથથી ભાજપના ધારાસભ્ય છે. વનથી 1993માં ભાજપ સાથે જોડાયા ત્યારથી તેઓ પાર્ટીના સંગઠનમાં આગળ વધતા ગયા. વનથીને તમિલનાડુ ભાજપમાં રાજ્ય સચિવ, મહાસચિવ અને રાજ્ય ઉપાધ્યક્ષ જેવી મહત્વની ભૂમિકાઓ ભજવી છે.