મહારાષ્ટ્રમાં યોજાયેલી 29 BMCના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. વર્ષોથી શહેરી વિસ્તારોમાં ઠાકરે અને પવાર પરિવારનું જે વર્ચસ્વ હતું, તેને ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને મોટો ઝટકો આપ્યો છે. ખાસ કરીને મુંબઈ, પુણે અને પિંપરી-ચિંચવડમાં મળેલી જીતને કારણે ભાજપની શહેરી રાજકારણમાં પકડ ખૂબ મજબૂત થઈ છે.

રાજકીય રીતે મહત્વપૂર્ણ સિદ્ધિ

BMC ચૂંટણી સૌથી વધુ ચર્ચામાં રહી. કુલ 227 વોર્ડમાંથી ભાજપે 89 બેઠકો જીતી, જ્યારે તેના સાથી પક્ષ શિવસેનાએ 29 બેઠકો મેળવી. આ રીતે મહાયુતિ ગઠબંધને બહુમતીનો આંકડો 114 પાર કરી લીધો. બીજી તરફ, વર્ષોથી BMC પર શાસન કરનાર શિવસેના (UBT)ને 65 બેઠકો પર સંતોષ માનવો પડ્યો. કોંગ્રેસને માત્ર 24 અને MNSને 6 બેઠકો મળી. 45 વર્ષ પછી ભાજપ મુંબઈમાં મેયર બનાવવાની સ્થિતિમાં પહોંચ્યું છે, જે તેને માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.

પુણે અને પિંપરી-ચિંચવડમાં પણ ભાજપ

પુણે અને પિંપરી-ચિંચવડમાં પણ ભાજપે પવાર પરિવારના પ્રભાવને હરાવી દીધો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 96 બેઠકો સાથે સ્પષ્ટ પ્રભુત્વ દર્શાવ્યું, જ્યારે NCPને 20 અને NCP (SP)ને માત્ર 3 બેઠકો મળી. પિંપરી-ચિંચવડમાં ભાજપે 84 બેઠકો જીતી, જ્યારે NCP 37 બેઠકો સાથે બીજા ક્રમે રહી. અહીં NCP (SP) એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી, જે શરદ પવાર માટે મોટો રાજકીય ફટકો ગણાય છે.

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપ

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપે પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી. કુલ 151 બેઠકોમાંથી ભાજપે 102 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી. મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ગૃહપ્રદેશમાં કોંગ્રેસ અપેક્ષિત પ્રભાવ છોડી શકી નથી. આમ તો , લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે વંચિત બહુજન આઘાડી સાથે મળીને 70માંથી 43 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. અહીં ભાજપને 22 બેઠકો મળી, જે દર્શાવે છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ હજુ પણ પોતાની હાજરી જાળવી રાખી છે.

AIMIMનો પણ દેખાવ નોંધપાત્ર

આ ચૂંટણીમાં AIMIMનો દેખાવ પણ નોંધપાત્ર રહ્યો છે. મુસ્લિમ બહુમતી ધરાવતા અનેક વોર્ડોમાં AIMIMને મજબૂત સમર્થન મળ્યું છે. મુંબઈ ઉપરાંત છત્રપતિ સંભાજીનગર, ધુળે, માલેગાંવ, પરભણી અને અમરાવતી જેવા શહેરોમાં પાર્ટીએ નોંધપાત્ર બેઠકો જીતી છે.

 29 મ્યુનિસિપલ સંસ્થાઓમાં સરેરાશ મતદાન 54.77

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 29 મ્યુનિસિપલ સંસ્થાઓમાં સરેરાશ મતદાન 54.77 ટકા રહ્યું. કુલ 2,868 બેઠકોમાંથી 2,833 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ભાજપે સમગ્ર રાજ્યમાં અંદાજે 1,400 બેઠકો જીતી છે, જ્યારે તેના સાથી પક્ષ શિવસેનાએ 397 બેઠકો મેળવી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે શહેરી વિસ્તારોમાં ભાજપનો આધાર સતત વધતો જઈ રહ્યો છે.

શહેરી રાજકારણમાં નવા યુગની શરૂઆત

આ પરિણામો મહારાષ્ટ્રના શહેરી રાજકારણમાં નવા યુગની શરૂઆત સૂચવે છે. ઠાકરે અને પવાર જેવા પરંપરાગત રાજકીય કુટુંબોના પ્રભાવમાં ઘટાડો થયો છે, જ્યારે કોંગ્રેસનો શહેરી આધાર પણ નબળો પડ્યો છે. ભાજપ માટે આ વિજય માત્ર ચૂંટણી જીત નહીં, પરંતુ ભવિષ્યની રાજ્ય અને રાષ્ટ્રીય રાજનીતિ માટે મજબૂત પાયો છે.

આ પણ વાંચો : BMC Election 2026: 45 વર્ષ પછી મુંબઈમાં ભાજપનું રાજ, હવે કોણ બનશે BMCનો મેયર?