મુંબઈની રાજનીતિમાં 2026ની BMC ચૂંટણી એક ઐતિહાસિક વળાંક તરીકે નોંધાઈ છે. દાયકાઓથી શિવસેનાના કબ્જામાં રહેલી BMC પર હવે ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનો કબજો થતો દેખાઈ રહ્યો છે.
BMCચૂંટણી 2026
BMCચૂંટણી 2026 માત્ર એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી રહી, પરંતુ તેણે મુંબઈ અને મહારાષ્ટ્રની રાજકીય દિશા બદલતી ઘટના તરીકે સ્થાન મેળવી લીધું છે. 227 વોર્ડ માટે યોજાયેલી આ ચૂંટણીમાં 1.24 કરોડથી વધુ મતદાતાઓએ ભાગ લીધો હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલી મતગણતરી સાથે જ ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું કે આ વખતે પરિણામો પરંપરાગત નહીં રહે
નવિનતમ અપડેટ (201/227 વોર્ડના વલણો મુજબ)
ભાજપ: 86 બેઠકો
શિંદે શિવસેના: 28 બેઠકો
શિવસેના (UBT): 63 બેઠકો
કોંગ્રેસ: 9 બેઠકો
MNS: 6 બેઠકો
NCP (શરદ પવાર): 1 બેઠક
ભાજપ + શિંદે શિવસેના = 114થી વધુ બેઠકો, એટલે સ્પષ્ટ બહુમતી
શિવસેનાની રાજકીય અને આર્થિક તાકાતનું કેન્દ્ર
લાંબા સમયથી મુંબઈ શિવસેનાનું ગઢ ગણાતું રહ્યું છે. બાલાસાહેબ ઠાકરેથી લઈને ઉદ્ધવ ઠાકરે સુધી, BMC શિવસેનાની રાજકીય અને આર્થિક તાકાતનું કેન્દ્ર રહી છે. પરંતુ પક્ષમાં થયેલા વિભાજન, બદલાયેલા ગઠબંધનો અને મતદાતાઓની બદલાયેલી માનસિકતાએ આ ચૂંટણીનું પરિણામ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.
ભાજપે પહેલીવાર BMCમાં બહુમતી
આ ચૂંટણીમાં ભાજપે પહેલીવાર BMCમાં બહુમતી મેળવી છે. એકનાથ શિંદેની શિવસેનાનો ટેકો ભાજપ માટે નિર્ણાયક સાબિત થયો છે. બંને પક્ષો મળીને બહુમતીનો આંકડો પાર કરી ચૂક્યા છે, જે મુંબઈના વહીવટમાં નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT) માટે આ ચૂંટણી સૌથી મોટો પડકાર હતી. રાજ ઠાકરેની MNS સાથે એકતા બતાવી હોવા છતાં, જમીન પર તેનો ફાયદો મર્યાદિત રહ્યો. ઘણા વોર્ડમાં કાંટાની લડાઈ જોવા મળી, પરંતુ કુલ મળીને ઠાકરે ગઠબંધન ભાજપ સામે અસરકારક વિકલ્પ સાબિત થઈ શક્યું નથી.
એક્ઝિટ પોલ્સે પણ પહેલેથી ભાજપની જીતની આગાહી
એક્ઝિટ પોલ્સે પહેલેથી જ ભાજપ ગઠબંધનની જીતની આગાહી કરી હતી. Axis My India સહિતના સર્વેમાં ભાજપ+ને 131થી 151 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. હાલના વલણો એ જ દિશામાં આગળ વધી રહ્યા છે. દક્ષિણ મુંબઈ, મલબાર હિલ, ચારકોપ અને અન્ય મહત્વના વિસ્તારોમાં ભાજપે મજબૂત લીડ મેળવી છે.
ચર્ચિત ચહેરાઓની હાર
આ ચૂંટણીમાં અનેક ચર્ચિત ચહેરાઓની હાર પણ નોંધપાત્ર રહી છે. ગેંગસ્ટરથી રાજકારણી બનેલા અરુણ ગવલીની પુત્રી યોગિતા ગવલીની હાર ચર્ચામાં રહી. NCP નેતા નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને પણ પરાજયનો સામનો કરવો પડ્યો. બીજી તરફ AIMIM જેવી પાર્ટીએ બે વોર્ડમાં લીડ મેળવી પોતાની હાજરી નોંધાવી છે.
ટેકનિકલ બેકઅપ તરીકે PADU સિસ્ટમ
પ્રશાસનિક રીતે પણ આ ચૂંટણી મહત્વપૂર્ણ રહી. પ્રથમ વખત મતગણતરી માટે ટેકનિકલ બેકઅપ તરીકે PADU સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. 23 મતગણતરી કેન્દ્રો પર 2,299 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને પરિણામો બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે 25,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા. BMC ચૂંટણી 2026નું પરિણામ સ્પષ્ટ કરે છે કે મુંબઈના મતદાતાઓએ સ્થિરતા, વિકાસ અને મજબૂત શાસન તરફ ઝુકાવ બતાવ્યો છે. ભાજપ માટે આ જીત માત્ર એક મ્યુનિસિપલ કોર્પોરેશન જીત નથી, પરંતુ આવનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મોટો આત્મવિશ્વાસ પણ છે.
હવે આગળ શું ?
હવે આગળનું ધ્યાન મેયર પદ, સ્ટેન્ડિંગ કમિટી અને BMCના મહત્વના વિભાગોની રચના પર રહેશે. મુંબઈ જેવા મેગાસિટીના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, પાણી અને ટ્રાન્સપોર્ટ જેવા મુદ્દાઓ પર નવી સરકાર કેવી રીતે કામ કરે છે, તેના પર સમગ્ર રાજ્ય અને દેશની નજર રહેશે.
આ પણ વાંચો : કોણ છે અલી લારીજાની? જેના કારણે Iran પર અમેરિકી હુમલો અટકી ગયો