અલી લારીજાની ઈરાનના પ્રભાવશાળી રાજકીય અને સુરક્ષા નીતિ નિર્માતા ગણાય છે. ઓગસ્ટ 2025માં તેમને ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પદ ઈરાનમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને સૈન્ય સંબંધિત મોટા નિર્ણયો અહીં લેવાય છે.
જન્મ 3 જૂન 1958માં થયો
લારીજાનીનો જન્મ 3 જૂન 1958માં થયો હતો. તેઓ એક જાણીતા શિયા મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને ઉચ્ચ શિક્ષિત છે. તેમની પાસે ડોક્ટરેટની પદવી છે. તેઓ ભૂતપૂર્વ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા રહ્યા છે, જેના કારણે તેમની સુરક્ષા અને સૈન્ય બાબતો પર મજબૂત પકડ છે.
2004માં પ્રથમ વખત સુપ્રીમ લીડર
2004માં તેઓ પ્રથમ વખત સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની નજીક આવ્યા, જ્યારે ખામેનીએ તેમને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. ત્યારબાદ તેમની રાજકીય અસર સતત વધી. 1994માં તેઓ ઈરાનના સરકારી પ્રસારણ તંત્ર (IRIB)ના વડા રહ્યા હતા. 2005માં તેમણે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી હતી, પરંતુ સફળતા મળી નહોતી.
ખામેની સાથે નજીકના સંબંધો
લારીજાનીને કટ્ટરપંથી રાજકીય વર્ગના નેતા તરીકે જોવામાં આવે છે. 2024ની ચૂંટણીમાં તેઓ ગેરલાયક ઠેરવાયા હતા, છતાં સુપ્રીમ લીડર ખામેની સાથેના નજીકના સંબંધોને કારણે તેઓ સત્તાના કેન્દ્રમાં રહ્યા. આ સંબંધો તેમને સંકટકાળમાં વધુ શક્તિશાળી બનાવે છે.
રાજદ્વારી ચાલ અને અમેરિકી હુમલો અટકાવવાનો દાવો
સુપ્રીમ સિક્યુરિટી કાઉન્સિલના વડા બન્યા બાદ, લારીજાનીએ રાજદ્વારી સ્તરે સક્રિયતા વધારી. તેમણે સાઉદી અરેબિયા સાથે સીધો સંપર્ક કર્યો, જે ઈરાનનો પરંપરાગત પ્રતિસ્પર્ધી ગણાય છે. છેલ્લા 6 મહિનામાં તેઓ અનેક વખત સાઉદી નેતૃત્વ સાથે મળ્યા હતા અને સપ્ટેમ્બર 2025માં સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી.
પાકિસ્તાન જેવા પાડોશી દેશોની મુલાકાત
આ ઉપરાંત, લારીજાનીએ ઈરાક, લેબનોન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોની મુલાકાત લીધી. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયા, કતાર અને ઓમાને મળીને અમેરિકાને સમજાવ્યું કે ઈરાન પર હુમલો કરવાથી સમગ્ર મધ્ય પૂર્વ અસ્થિર થઈ શકે છે. આ રાજદ્વારી દબાણને કારણે અમેરિકાનું વલણ બદલાયું હોવાનું કહેવાય છે.
આંતરિક અશાંતિ અને સૈન્ય ફેરફારો
ઈરાનમાં જ્યારે વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા, ત્યારે લારીજાની ખુદ આગળ આવ્યા. તેમણે સૈન્યમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા અને કેટલાક વિવાદાસ્પદ અધિકારીઓને મહત્વના પદો પર નિયુક્ત કર્યા. અશાંતિ દરમિયાન તેઓ સરકારી મીડિયા પર આવીને સ્થિતિ સમજાવતા રહ્યા. લારીજાનીએ જાહેરમાં દાવો કર્યો કે ઈરાનમાં ચાલી રહેલી અશાંતિ પાછળ અમેરિકા અને ઈઝરાયલનો હાથ છે. ઈરાની મીડિયામાં આ વાતને વ્યાપક રીતે રજૂ કરવામાં આવી.
અમેરિકી પ્રતિબંધો
આ તમામ ઘટનાઓ બાદ, અમેરિકાએ અલી લારીજાની પર પ્રતિબંધો લાદ્યા. અહેવાલો મુજબ, અમેરિકી પ્રશાસનમાં એ બાબતે શંકા હતી કે ઈરાન પર હુમલો કરવાથી તરત જ સરકાર પલટાઈ જશે કે નહીં. US સૈન્ય પણ હાલ પૂર્ણ યુદ્ધ માટે તૈયાર નથી—આ પરિસ્થિતિમાં લારીજાનીની વ્યૂહરચનાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મધ્ય પૂર્વની રાજનીતિમાં મહત્વપૂર્ણ ચહેરો
અલી લારીજાની આજે માત્ર એક ઈરાની નેતા નથી, પરંતુ મધ્ય પૂર્વની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. સમર્થકો તેમને ઈરાનના “સંકટ વ્યવસ્થાપક” તરીકે જુએ છે, જ્યારે વિરોધીઓ તેમને કટ્ટર નીતિઓના પ્રતિક તરીકે માને છે. પરંતુ એટલું ચોક્કસ છે કે ઈરાન-અમેરિકા તણાવમાં લારીજાનીનું નામ હવે અવગણવું શક્ય નથી.
આ પણ વાંચો : World News : ભારતના બે દુશ્મન અને એક મિત્ર વચ્ચેની ડિફેન્સ ડીલ કેમ અટકી?