હાલના દિવસોમાં દેશભરમાં ફ્લાઈટ્સ સામે બોમ્બ ધમકીઓની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ગંભીર ઘટના ફરી એકવાર સામે આવી છે, જેમાં દિલ્હીથી પુણે જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2608માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી વિમાનના શૌચાલયમાંથી મળી આવેલી હાથથી લખેલી નોટ દ્વારા આપવામાં આવી હતી.

ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન

ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ફ્લાઈટ દરમિયાન ક્રૂ મેમ્બરને શૌચાલયમાંથી એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી હતી. ચિઠ્ઠીમાં ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખવામાં આવી હતી. નોટ મળતાં જ ફ્લાઈટ ક્રૂએ તરત જ સુરક્ષા પ્રોટોકોલ અનુસાર સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી.

નક્કી કરેલું લેન્ડિંગ સમય

આ ફ્લાઈટ દિલ્હીથી ઉડાન ભરીને પુણે જઈ રહી હતી અને તેનું નક્કી કરેલું લેન્ડિંગ સમય રાત્રે 8:40 વાગ્યે હતું. જોકે સુરક્ષા કારણોસર ફ્લાઈટ સવારે 9:24 વાગ્યે પુણે એરપોર્ટ પર ઉતરી હતી, એટલે કે તે પોતાના સમયપત્રક કરતાં લગભગ 44 મિનિટ મોડી પહોંચી હતી. ફ્લાઈટના લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર ઉતારી લેવામાં આવ્યા હતા.

 એપ્રોન વિસ્તારને બોમ્બ ધમકી

ફ્લાઈટ ઉતર્યા પછી એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા એપ્રોન વિસ્તારને બોમ્બ ધમકી અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એપ્રોન ક્રૂએ તરત જ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી અને બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC)ની બેઠક બોલાવવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે વિમાનને એરપોર્ટના આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા વિમાનની અંદર અને બહાર સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને અન્ય નિષ્ણાત ટીમોએ વિમાનનું સઘન નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે ધમકી ખોટી સાબિત થઈ છે અને વિમાન સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ફરીથી સામાન્ય કામગીરી માટે મંજૂરી

તપાસ પૂર્ણ થયા બાદ વિમાનને ફરીથી સામાન્ય કામગીરી માટે મંજૂરી આપવામાં આવી હતી. ઈન્ડિગોએ પણ જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહ્યા હતા અને એરલાઈન્સે તમામ જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 18 જાન્યુઆરીએ દિલ્હીથી સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર બોમ્બની ધમકી લખેલી મળી આવી હતી. તે સમયે ફ્લાઈટને લખનૌ તરફ વાળવામાં આવી હતી અને ત્યાં મુસાફરોને ઉતારીને વિમાનની તપાસ કરવામાં આવી હતી. તે ઘટનામાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર

ફ્લાઈટ્સ સામે આવી વારંવાર થતી બોમ્બ ધમકીઓ સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર બની રહી છે. આવી ખોટી ધમકીઓથી મુસાફરોમાં ભય ફેલાય છે અને એર ટ્રાફિક પર પણ તેની અસર પડે છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ હવે આવા કેસોમાં કડક કાર્યવાહી કરવા માટે તૈયારીમાં છે.

આ પણ વાંચો : અમેરિકા WHOથી અલગ થયું, જીનીવા મુખ્યાલય બહારથી યુએસ ધ્વજ હટાવ્યો.