યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હવે સત્તાવાર રીતે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું સભ્ય રહ્યું નથી. US આરોગ્ય વિભાગ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અમેરિકા WHO સાથેનો પોતાનો સંબંધ સમાપ્ત કરી ચૂક્યું છે. આ નિર્ણયના પ્રતીકરૂપે, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલા WHOના મુખ્યાલય બહારથી અમેરિકાનો ધ્વજ પણ દૂર કરવામાં આવ્યો છે.


વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં એક મોટા ફેરફાર

અમેરિકાના આ પગલાંને વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં એક મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકી સરકારનું કહેવું છે કે WHO દ્વારા કોવિડ-19 મહામારીના સંચાલનમાં ગંભીર ખામીઓ રહી હતી અને તે જ કારણોસર અમેરિકા આ સંગઠનથી દૂર થવાનો નિર્ણય લીધો છે. US અધિકારીઓએ જણાવ્યું છે કે WHO વૈશ્વિક આરોગ્ય સંકટ દરમિયાન અપેક્ષિત જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું હતું.

ભવિષ્યમાં ફરી સભ્ય બનવાની સંભાવના નથી

US ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકા હવે WHOમાં નિરીક્ષક (Observer) તરીકે પણ જોડાવાની કોઈ યોજના નથી અને ભવિષ્યમાં ફરી સભ્ય બનવાની સંભાવના પણ નથી. તેમના જણાવ્યા અનુસાર, અમેરિકા હવે રોગચાળા પર નજર રાખવા અને જાહેર આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર WHOને બદલે સીધા અન્ય દેશો સાથે સહકાર કરશે.

બાકી રહેલી તમામ ફી ચૂકવવી ફરજિયાત

US કાયદા અનુસાર, WHOમાંથી બહાર નીકળવા માટે એક વર્ષની પૂર્વ સૂચના આપવી અને બાકી રહેલી તમામ ફી ચૂકવવી ફરજિયાત છે. WHOના જણાવ્યા અનુસાર, અમેરિકા પર આશરે 260 મિલિયન ડોલર જેટલી બાકી ફી છે, જે 2024 અને 2025ના વર્ષોની છે. જોકે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે અમેરિકન જનતાએ પહેલેથી જ પૂરતું યોગદાન આપ્યું છે.

બોર્ડની બેઠકમાં અમેરિકાના બહાર નીકળવા અંગે ચર્ચા

નિષ્ણાતોના જાણાવ્યા અનુસાર આ નિર્ણય યુએસ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમનું માનવું છે કે કાયદાકીય રીતે આ નિર્ણય પર પ્રશ્નો ઊભા થઈ શકે છે, પરંતુ રાજકીય પરિસ્થિતિને જોતા આ મુદ્દો આગળ વધે તેવી શક્યતા ઓછી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ (HHS)એ WHOને આપવામાં આવતું તમામ ભંડોળ પણ બંધ કરી દીધું છે. ટ્રમ્પ પ્રશાસને રાષ્ટ્રપતિ અધિકારનો ઉપયોગ કરીને ભવિષ્યમાં WHOને કોઈપણ પ્રકારના અમેરિકી સરકારી સંસાધનો ન આપવા નિર્ણય કર્યો છે. WHOના પ્રવક્તાએ જણાવ્યું છે કે સભ્ય દેશો ફેબ્રુઆરીમાં થનારી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં અમેરિકાના બહાર નીકળવા અંગે ચર્ચા કરશે.

અમેરિકાનો આ નિર્ણય વૈશ્વિક આરોગ્ય સેવાઓ

વિશ્વ આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાનો આ નિર્ણય વૈશ્વિક આરોગ્ય સેવાઓ અને વિકાસશીલ દેશોમાં ચાલી રહેલી આરોગ્ય યોજનાઓને અસર કરી શકે છે. જોકે, અમેરિકા કહે છે કે તે વૈશ્વિક આરોગ્ય માટે પોતાની જવાબદારી અન્ય માર્ગોથી નિભાવતું રહેશે.

આ પણ વાંચો : Himachalમાં ઓરેન્જ એલર્ટ, 26–27 જાન્યુઆરીએ ભારે હિમવર્ષાની શક્યતા


  • Follow us on: