દેશમાં વધુ એક વખત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કાનપુર અને આગ્રા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રવિવારે 29 જૂને એરપોર્ટ ડાયરેક્ટરને એક ઈ-મેઈલ મોકલીને આ ધમકી આપવામાં આવી છે. ત્યારબાદ બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્કવોર્ડે એરપોર્ટની તપાસ કરી છે. જો કે તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.


એરપોર્ટ પર વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા

ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટની સિક્યોરિટી પણ વધારી દીધી છે. CISF, વાયુસેના અને પોલીસની વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઈમેઈલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સમય રહેતા ઈમારત ખાલી કરાવવામાં ના આવી તો અંદર રહેલા લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. ધમકી આપનારા વ્યક્તિએ પોતાને રોડકિલ અને ક્યો નામના ગ્રુપનો સભ્ય બતાવ્યો છે. આ મેઈલ [email protected] પરથી મોકલવામાં આવ્યો છે.

અગાઉ પણ મળી હતી આવી ધમકી

ધમકી મળ્યા બાદ એરપોર્ટ પર તૈનાત CISFએ સમગ્ર પરિસરમાં તપાસ કરી છે. મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા દરેક જગ્યાની યોગ્ય તપાસ કરવામાં આવી છે. જો કે કોઈ શંકાસ્દપ વસ્તુ મળી આવી નથી. આ મામલે મુખ્ય સુરક્ષા અધિકારીની ફરિયાદ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે અને સાયબર સેલ અને ઉચ્ચ સ્તરીય સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ધમકી અગાઉ પણ મળી ચૂકી છે. 9 ડિસેમ્બર 2024એ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાલમાં આગ્રા એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને દેશના અન્ય એરપોર્ટ પર પણ સર્તકતા રાખવામાં આવી રહી છે   

  • Follow us on: