બ્રિક્સ દેશની NSAની બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અનેક મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે દુનિયા આ સમયે બહુ મુશ્કેલ અને અનિશ્ચિત સમયમાંથી પસાર થઇ રહી છે. ઠેર ઠેર યુદ્ધ થઇ રહ્યા છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. દરેક જગ્યાએ ઉથલ પાથલ મચી ગઇ છે. નવી ટેક્નોલોજી બહુ ઝડપી દુનિયા બદલી રહી છે. જૂની વ્યવસ્થાઓ ફેલ થઇ રહી છે. 


બ્રિક્સને લઇને શું બોલ્યા અજિત ડોભાલ ? 

ડોભાલે જણાવ્યું હતું કે વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે બનાવવામાં આવેલા સ્થાપિત નિયમો અને સંસ્થાઓ હવે નબળી અને અપૂરતી સાબિત થઈ રહી છે. રાષ્ટ્રો વચ્ચે પરસ્પર સહયોગ ઘટી રહ્યો છે. આવા પડકારજનક સમયમાં, BRICS ની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. તેની રચના એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી કે વૈશ્વિક શક્તિ ફક્ત એક કે બે રાષ્ટ્રોના હાથમાં કેન્દ્રિત ન રહે, પરંતુ ગ્લોબલ સાઉથનો અવાજ પણ વિશ્વ મંચ પર મજબૂત રીતે સંભળાય.


હોર્મુઝ ખૂલવા અંગે શું કહ્યું ? 

NSA ડોભાલે BRICSને શાંતિ અને વિકાસ માટે પ્રતિબદ્ધ એક ઉત્તમ જોડાણ તરીકે વર્ણવ્યું.  તેમણે નોંધ્યું કે જૂથ સમય જતાં મજબૂત બની રહ્યું છે. તેમણે ઈરાન અને યુએસ વચ્ચેના તાજેતરના શાંતિ કરાર પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે ભારત બંને રાષ્ટ્રો વચ્ચે હસ્તાક્ષર કરાયેલા MoUનું સ્વાગત કરે છે. તેમણે આ બાબત અંગે સફળતાની આશા વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું કે  આમ થવાથી ઊર્જા સુરક્ષામાં મદદ થશે.  હોર્મુઝ સ્ટ્રેટનું ખૂલવુ એક ખૂબ જ સ્વાગતપાત્ર પગલું છે.

તેમણે ઉમેર્યું કે  બંને દેશો વચ્ચે સહમતિનું આ પગલું પુરવઠા શૃંખલાના અવરોધોને દૂર કરશે અને ખાતરો અને રસાયણો જેવા ક્ષેત્રોમાં અછતને દૂર કરવામાં મદદ કરશે.  આ ઉપરાંત પ્રદેશની અંદર અને બહારના દેશોને આપવામાં આવતી હિલચાલની સ્વતંત્રતા આર્થિક સમૃદ્ધિને નોંધપાત્ર રીતે વેગ આપે તેવી શક્યતા છે. નોંધનીય છે કે આજે બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બે દિવસીય બેઠકનો બીજો દિવસ છે.

  • Follow us on: