રાજધાની દિલ્હીમાં BRICS દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA)ની 16મી બેઠકનો પ્રારંભ થયો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં BRICSના 11 સભ્ય દેશોના સુરક્ષા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બે દિવસીય આ બેઠક 22 અને 23 જૂન દરમિયાન યોજાશે, જેમાં વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા સંબંધિત વિવિધ પડકારો પર ચર્ચા થઈ રહી છે.


વૈશ્વિક શાંતિ જાળવવા પ્રયાસ

બેઠક દરમિયાન આતંકવાદ વિરોધી સહકાર, સાયબર સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સ્થિરતા, ઉગ્રવાદ, સરહદી સુરક્ષા તેમજ વૈશ્વિક શાંતિ જાળવવા માટેના પ્રયાસો જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. BRICS દેશો વચ્ચે સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પણ ચર્ચા થઈ રહી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપી જાણકારી 

આ બેઠકની સાઇડલાઇનમાં NSA અજિત ડોભાલે ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (SNSC)ના ડેપ્યુટી સેક્રેટરી ફોર ડિફેન્સ અફેર્સ ગાદિર નેઝામીપૂર સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપરાંત BRICS પ્લેટફોર્મ હેઠળના સહયોગ અને ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અજિત ડોભાલે ઈથિયોપિયાની નેશનલ ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી સર્વિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઑફ એનાલિસિસ મિલિયન લેમા ટાડેસ્સે સાથે પણ બેઠક યોજી હતી. બંને પક્ષોએ ભારત અને ઈથિયોપિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવા અને સુરક્ષા ક્ષેત્રે સહકાર વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. BRICS NSA બેઠકને વૈશ્વિક સુરક્ષા અને બહુપક્ષીય સહયોગ માટે મહત્વપૂર્ણ મંચ તરીકે જોવામાં આવી રહી છે. આ બેઠક દ્વારા સભ્ય દેશો વચ્ચે સંકલન અને સહકારને વધુ મજબૂતી મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : West Bengal: મદરેસાના બજેટ પર સરકારની કાતર, બજેટમાં 62% ઘટાડો


  • Follow us on: