ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાત વર્ષના લાંબા અંતરાલ બાદ નવી દિલ્હીમાં યોજાનારી ૧૮મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાતને લઈને ચીની મીડિયા અને ત્યાંના નિષ્ણાતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ' દ્વારા વડાપ્રધાન મોદીના વલણ અને ભારતની વિદેશ નીતિની ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી રહી છે, જેને લઈને ભારતીય મીડિયામાં પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.

બે મહાસત્તાઓ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો

ચીની નિષ્ણાતોના મતે, આ ઐતિહાસિક મુલાકાત એશિયાની આ બે મહાસત્તાઓ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા અને તેને એક નવી દિશા આપવા માટેની ઉત્તમ તક છે. સિંધુઆ યુનિવર્સિટીના નિષ્ણાત કિયાન ફેંગે તાજેતરમાં સંપન્ન થયેલી સરહદ વાટાઘાટોના ૨૫મા રાઉન્ડનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આઠ-મુદ્દાની સર્વસંમતિ બંને દેશોના સંબંધોમાં સુધારો થવાના અત્યંત સકારાત્મક સંકેતો આપે છે. ભારતીય થિંક ટેન્કના વડા મોહમ્મદ સાકિબે પણ આ મુલાકાતને બ્રિક્સ સમિટનું મહત્ત્વ અને વૈશ્વિક વજન વધારનારું પગલું ગણાવ્યું છે.
https://twitter.com/ANI/status/2098265141347590476

આર્થિક મોરચે ચીની મીડિયામાં લેવાઇ નોંધ

આર્થિક મોરચે પણ ભારતની પ્રગતિની ચીની મીડિયામાં નોંધ લેવાઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી (GDP) વિકાસ દર આશરે ૬.૮ ટકા રહેવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને અંદાજે 151 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે, જે ચીનને ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બનાવે છે. આ આંકડાઓ બંને દેશોના આર્થિક સહયોગની મજબૂતાઈ દર્શાવે છે.

પીએમ મોદીના નેતૃત્વમાં ભારત ટોપ પર

વિશ્લેષકોનું માનવું છે કે ભારત હવે પોતાની વિદેશ નીતિને વધુ સ્વતંત્ર અને વ્યાવહારિક દ્રષ્ટિકોણથી આગળ વધારી રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત માત્ર પશ્ચિમી દેશો પર નિર્ભર રહેવાને બદલે પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે. દિલ્હીમાં યોજાનારી આ સમિટમાં પીએમ મોદી, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગની ત્રિપુટી વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં એક નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. આ મુલાકાત માત્ર રાજદ્વારી સંબંધો પૂરતી સીમિત નથી, પરંતુ તે વૈશ્વિક શાંતિ અને સહયોગ માટે પણ સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

આ પણ વાંચોઃ BRICS Summit 2026: બ્રિક્સનો મહામંચ તૈયાર, વૈશ્વિક નેતાઓના આગમનનો ધમધમાટ, 26 દેશોના મહેમાનોના આગમનનું લિસ્ટ