ભારતની રાજધાની નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજાનારી અત્યંત મહત્ત્વપૂર્ણ 18મી બ્રિક્સ સમિટ (BRICS Summit) માટેનો ભવ્ય મંચ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો છે. આ વૈશ્વિક મહાસંમેલનમાં ભાગ લેવા માટે દુનિયાભરના ૨૬ દેશોના દિગ્ગજ નેતાઓ અને વૈશ્વિક સંસ્થાઓના પ્રમુખો દિલ્હીની મુલાકાતે આવી રહ્યા છે. રશિયાથી લઈને ચીન અને યુએઈ સુધીના રાષ્ટ્રના વડાઓ એક જ મંચ પર એકત્રિત થઈ રહ્યા છે, જેના કારણે રાજધાનીમાં ઉત્સાહ અને સુરક્ષા બંને ચરમસીમા પર છે.
દિલ્હીમાં વ્લાદિમીર પુતિનનું આગમન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્રણ દિવસીય ઐતિહાસિક મુલાકાતે પહેલેથી જ દિલ્હી પહોંચી ચૂક્યા છે, જેઓ આઈટીસી મૌર્ય (ITC Maurya) હોટેલમાં રોકાયા છે. આ ઉપરાંત, બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા પણ દિલ્હી આવી પહોંચ્યા છે. આગામી સમયમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સહિતના અનેક વૈશ્વિક નેતાઓ ક્રમશઃ દિલ્હી પહોંચી રહ્યા છે.
શી જિનપિંગ 12 સપ્ટેમબરે પહોંચશે દિલ્હી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચશે અને તેઓ પ્રતિષ્ઠિત હોટેલ તાજ (Hotel Taj) માં રોકાવાના છે. આ ઉપરાંત મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ, ઇથોપિયાના વડા પ્રધાન અબી અહેમદ અલી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબોટો, કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકોયેવ અને વિયેતનામના વડા પ્રધાન લે મિન્હ હુંગ પણ આ સમિટની શોભા વધારશે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક અને ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) ના પ્રમુખો તેમજ વિશ્વ વેપાર સંગઠનના ડિરેક્ટર જનરલ ન્ગોઝી ઓકોંજો-ઇવેલા પણ આ વૈશ્વિક મંચ પર ઉપસ્થિત રહેશે.
વિદેશી મહેમાનો માટે કડક સુરક્ષા વ્યવસ્થા
આ તમામ વિદેશી મહેમાનો દિલ્હીની અલગ-અલગ ફાઈવ-સ્ટાર હોટલોમાં રોકાવાના છે, જ્યાં સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ્ય અને બહુ-સ્તરીય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. રશિયા અને ચીન સહિત તમામ દેશોના સર્વોચ્ચ નેતાઓની આ ઉપસ્થિતિ માત્ર રાજકીય દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વેપાર ક્ષેત્રે પણ ભારતની વધતી શક્તિ અને નેતૃત્વનું પ્રતીક બની રહી છે. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના આ મહાસંમેલનને સફળ બનાવવા માટે પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ છે.
આ પણ વાંચોઃ Congo: એક સાથે બે સ્કુલમાં લાગી ભીષણ આગ, 26 વિદ્યાર્થીઓના મોત