BRICS સમિટ 2026 આવતીકાલે શનિવારે દિલ્હીમાં શરૂ થઈ રહી છે. આ પહેલાં આજે (શુક્રવારે) BRICS બિઝનેસ ફોરમમાં સંબોધન કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે આપણે ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. વૈશ્વિક સ્તરે અસ્થિરતા અને જટિલતા એ નવી સામાન્ય સ્થિતિ બની ગઈ છે, જેમાં રાજકીય અને આર્થિક બંને મોરચે નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં ભારતની આગેવાની હેઠળ નવીનતા (innovation) અને ઉદ્યોગસાહસિકતા (entrepreneurship)ની ઇકોસિસ્ટમને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે BRICSના સભ્ય અને ભાગીદાર દેશોને તેમના બજારો ખોલવા અને નિયમનકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે સહયોગ સાધવા આહ્વાન કર્યું હતું.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, "આપણે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે વૈશ્વિક રાજકીય અને આર્થિક વ્યવસ્થામાં ઊંડા ફેરફારો થઈ રહ્યા છે. આપણી આસપાસની દુનિયામાં અસ્થિરતા, અનિશ્ચિતતા અને જટિલતા સામાન્ય બાબત બની ગઈ છે. આપણે ભૌગોલિક-રાજકીય સંઘર્ષો, મહામારીઓ અને આબોહવા સંબંધિત પડકારોની આર્થિક અસરો જોઈ રહ્યા છીએ."
https://twitter.com/PTI_News/status/2098278671908044883
વર્તમાન આર્થિક પરિદ્રશ્ય જોખમો અને તકો બંને રજૂ કરે છે: જયશંકર
"સાથે જ ઝડપી ડિજિટાઇઝેશન અને તકનીકી પ્રગતિ વિકાસ, ઉત્પાદકતા અને પ્રગતિ માટે નવા રસ્તાઓ ખોલી રહી છે. આનાથી એક એવું આર્થિક વાતાવરણ સર્જાયું છે જ્યાં જોખમો અને તકો બંને વધી રહ્યા છે, જેનાથી પરિસ્થિતિનો અંદાજ લગાવવાની, અનુકૂલન સાધવાની અને પ્રતિભાવ આપવાની ક્ષમતા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે."
BRICS બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, "ટેક્નોલોજી હંમેશા અર્થતંત્ર અને ભૌગોલિક-રાજનીતિ સાથે જોડાયેલી રહી છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફિનટેક અને અદ્યતન ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) આપણને અપાર તકો પૂરી પાડે છે, છતાં તે સુલભતા, ધોરણો, સુરક્ષા અને વિશ્વાસ અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો પણ ઊભા કરે છે."
આ પણ વાંચો: BRICS Summit 2026: મહેમાનોને પીરસવામાં આવશે ભારતીય ભોજન! દિલ્હીની લક્ઝુરિયસ હોટલોમાં ખાસ તૈયારીઓ