બિહારના કટિહાર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-31 (NH-31) પર એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કોઈરા પોલીસ સ્ટેશન વિસ્તારના બસગડા ચોક પાસે બસ અને પિકઅપ વાન વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં 10 થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

નશામાં ધૂત ડ્રાઈવરની લાપરવાહી

પ્રાપ્ત વિગતો અનુસાર, હરદાથી પૂર્ણિયા જઈ રહેલી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ડ્રાઈવરે રસ્તામાં અગાઉ પણ અનેક નાના અકસ્માતો કર્યા હતા. બસ જ્યારે દાતપુર મુસાહરી ચોક પાસે પહોંચી ત્યારે તેણે સામેથી આવતી પિકઅપ વાનને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે રસ્તા પરથી પસાર થઈ રહેલી બે મોટરસાયકલ પણ તેની લપેટમાં આવી ગઈ હતી.

ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

આ અકસ્માતમાં બાઇક પર સવાર ચાર લોકો સહિત કુલ ૧૦ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. અકસ્માત બાદ હાઇવે પર અફડાતફડી મચી ગઈ હતી અને ગ્રામજનોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.

પોલીસ કાર્યવાહી અને સારવાર

ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી અનેકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને નશાખોર ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે.

આ પણ વાંચો: Entertainment News: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને હાર્ટ એટેક આવ્યો, મુંબઈની હોસ્પિટલમાં દાખલ