બસના પ્રવાસ બાદ શ્રદ્ધાળુઓ અન્ય માર્ગો દ્વારા મુક્તિનાથની યાત્રા કરી શકશે.
સીધી બસ સેવા શરૂ
નેપાળમાં મુક્તિનાથની યાત્રાને સરળ કરવા માટે 4 ફેબ્રુઆરી 2026એ મ્યાગદી જિલ્લાના બેની અને નવી દિલ્હી વચ્ચે સીધી બસ સેવા શરૂ કરાઇ છે. નેપાળ-ભારત મિત્રતા બસ સેવા મોર્ડન એરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને સૃષ્ટિ પરિવહન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે ચલાવાશે. રાજધાની કાઠમંડુના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે, નેપાળના પ્રખ્યાત હિન્દુ અને બૌદ્ધ યાત્રાધામ મુક્તિનાથની યાત્રા કરતા યાત્રાળુઓને સુવિધા આપવા માટે બુધવારે નેપાળની બેની મ્યુનિસિપાલિટીને ભારતની રાજધાની નવી દિલ્હી સાથે જોડતી સીધી બસ સેવા શરૂ કરાઇ છે.
નેપાળ-ભારત મિત્રતા બસ સેવાનું ઉદ્ઘાટન
બેની એ ગંડકી પ્રાંતના મુસ્તાંગ જિલ્લામાં સ્થિત એક પ્રાચીન વિષ્ણુ મંદિર મુક્તિનાથનું પ્રવેશદ્વાર છે. "મુક્તિના ભગવાન" તરીકે ઓળખાતું મુક્તિનાથ મંદિર હિન્દુઓ અને બૌદ્ધો બંને માટે પવિત્ર છે. જેઓ તેને અનુક્રમે હિન્દુ દેવતા વિષ્ણુ અને બૌદ્ધ દેવતા અવલોકિતેશ્વરના નિવાસસ્થાન તરીકે પૂજે છે. કાઠમંડુના ડેપ્યુટી મેયર જ્યોતિ લામિછાનેના જણાવ્યા અનુસાર, મોર્ડન એરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને સૃષ્ટિ પર્વત પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયેલ નેપાળ-ભારત મિત્રતા બસ સેવાનું ઉદ્ઘાટન બેની મ્યુનિસિપાલિટીના મેયર સુરત કે.સી.એ કર્યુ છે.
યાત્રાનો ખર્ચ કેટલો ?
નવી દિલ્હીથી બેની પહોંચવામાં લગભગ 27 કલાક લાગશે. બેનીથી દરરોજ સવારે 6:45 વાગ્યે અને નવી દિલ્હીથી સાંજે 4:00 વાગ્યે બસ ઉપડે છે. બેની-નવી દિલ્હી રૂટનું ભાડું NPR 5,400 છે અને નવી દિલ્હી-બેની રૂટનું ભાડું 3,200 રૂપિયા છે. આ બસમાં 45 મુસાફરોની બેસવાની ક્ષમતા છે અને તે લગભગ 1,400 કિમીનું અંતર કાપે છે. બેનીથી, મુસાફરો જીપ, ટેક્સી અથવા લોકલ બસ દ્વારા પડોશી મુસ્તાંગ જિલ્લામાં મુક્તિનાથ મંદિર સુધી ત્રણથી ચાર કલાકમાં પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ Jammu Kashmirના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, હાથ ધરાયુ સર્ચ ઓપરેશન
