ભારતમાં એનર્જી ડ્રિંકના બજારમાં મોટો વિવાદ ઊભો થયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ઓસ્ટ્રિયાની કંપની રેડ બુલને નોટિસ પાઠવી છે. નિયમનકારી સંસ્થાનું કહેવું છે કે પીણામાં ઉમેરવામાં આવેલી ખાંડનું પ્રમાણ નોંધપાત્ર છે અને તેને ‘એનર્જી ડ્રિંક’ તરીકે ઓળખાવવાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. ખાસ કરીને 500 મિલીલીટર પીણામાં આશરે 55 ગ્રામ ખાંડ હોવાનો મુદ્દો FSSAIએ ઉઠાવ્યો છે. 

500 મિલી પીવાથી 55 ગ્રામ ખાંડ

FSSAIની નોટિસ મુજબ રેડ બુલમાં દર 100 મિલીલીટરે 11 ગ્રામ ખાંડ છે. આ ગણતરી પ્રમાણે 500 મિલીલીટર પીણામાં આશરે 55 ગ્રામ ખાંડ થાય છે. નિયમનકારી સંસ્થાએ કહ્યું છે કે આ પ્રમાણ સામાન્ય રીતે ભલામણ કરવામાં આવતી દૈનિક 50 ગ્રામની મર્યાદા કરતાં વધારે છે. રેડ બુલના કેન પર એક દિવસમાં 500 મિલીલીટરથી વધુ પીણું ન પીવાની સલાહ પણ આપવામાં આવી છે. જોકે, FSSAIનું કહેવું છે કે આ સૂચનથી ગ્રાહકોને એવું લાગી શકે છે કે 500 મિલીલીટર પીવું યોગ્ય છે, જ્યારે તેમાં રહેલી ખાંડનું પ્રમાણ ચિંતાજનક છે.

કંપની પાસે વૈજ્ઞાનિક પુરાવા માગ્યા

FSSAIએ રેડ બુલને સાત દિવસમાં જવાબ આપવા કહ્યું છે. કંપનીએ સમજાવવું પડશે કે તેના પીણાને ‘એનર્જી ડ્રિંક’ તરીકે ઓળખાવવા પાછળ કયા વૈજ્ઞાનિક અને નિયમનકારી પુરાવા છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પીણામાં રહેલી ખાંડથી તેની કુલ ઊર્જાનો મોટો હિસ્સો મળે છે. તેથી તેને એનર્જી ડ્રિંક તરીકે રજૂ કરવાનો આધાર વૈજ્ઞાનિક રીતે સાબિત થવો જોઈએ. જો કંપની સંતોષકારક જવાબ નહીં આપે તો તેના ઉત્પાદન પર ‘એનર્જી ડ્રિંક’નું લેબલ લગાવવાની મંજૂરી સામે કાર્યવાહી થઈ શકે છે. જોકે, હાલ રેડ બુલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી નથી.

જૂનથી ચાલી રહ્યો છે વિવાદ

આ વિવાદ જૂન 2026માં શરૂ થયો હતો. તે સમયે FSSAIએ રેડ બુલ સહિત છ બ્રાન્ડને તેમના ઉત્પાદનો પર ‘એનર્જી ડ્રિંક’ શબ્દનો ઉપયોગ બંધ કરવા આદેશ આપ્યો હતો. આ યાદીમાં પેપ્સિકોનું એડ્રેનાલિન રશ, રિલાયન્સનું કેમ્પા એનર્જી ગોલ્ડ બૂસ્ટ, સ્ટિંગ, હેલ અને મોન્સ્ટર પણ સામેલ હતાં. રેડ બુલ આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં ગયું હતું. સપ્ટેમ્બરમાં હાઈકોર્ટે કંપનીને રાહત આપતાં FSSAIના અગાઉના આદેશને રદ કર્યો હતો. જોકે, નિયમનકારી સંસ્થાને કંપનીની વાત સાંભળ્યા બાદ નવો આદેશ આપવાની છૂટ પણ આપી હતી. બીજી તરફ, અન્ય કંપનીઓને તેમનો હાલનો સ્ટોક વેચાઈ જાય ત્યારબાદ આ લેબલનો ઉપયોગ બંધ કરવા જણાવાયું હતું. આ કારણે રેડ બુલને સ્પર્ધકોની સરખામણીએ વ્યાપારી ફાયદો મળી રહ્યો હોવાની દલીલ FSSAIએ કરી છે.

જાન્યુઆરીમાં ફરી કોર્ટમાં સુનાવણી

FSSAIએ દિલ્હી હાઈકોર્ટમાં રેડ બુલને મળેલી રાહતની સમીક્ષા કરવાની માગ કરી છે. નિયમનકારી સંસ્થાનું કહેવું છે કે આ રાહતથી બજારમાં અન્ય કંપનીઓની સરખામણીએ રેડ બુલને અયોગ્ય વ્યાપારી લાભ મળી રહ્યો છે. આ મુદ્દે જાન્યુઆરીમાં સુનાવણી થવાની છે.

ભારતમાં ઝડપથી વધી રહ્યું છે બજાર

યુરોમોનિટરના અંદાજ પ્રમાણે ભારતમાં એનર્જી ડ્રિંકનું બજાર 2028 સુધીમાં 1.6 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. આ બજારમાં દર વર્ષે 12.6 ટકાના દરે વૃદ્ધિ થવાનો અંદાજ છે. રેડ બુલની ભારતમાં 2024ની આવક 130 મિલિયન ડોલર હતી, જે ચાર વર્ષ પહેલાંની સરખામણીએ બમણાથી વધુ છે.

આ વિવાદ વચ્ચે ખાંડ ઉપરાંત એનર્જી ડ્રિંકમાં રહેલી કેફીન અને ટૌરિન જેવા ઘટકોને લઈને પણ આરોગ્ય નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હવે રેડ બુલ FSSAIની નોટિસનો શું જવાબ આપે છે અને તેના આધારે આગળ શું નિર્ણય લેવાય છે તેના પર નજર રહેશે.

આ પણ વાંચો: Gold Purity: સોનાની શુદ્ધતાની સરકારી ગેરંટી માત્ર દેખાડો? 80% જ્વેલર્સની દુકાનોમાં તપાસ જ નથી થઇ, CAGના રિપોર્ટમાં ધડાકો