મધ્યપ્રદેશના શિવપુરીમાં 5 જુલાઈએ રવિવારે 2,500 કરોડ રૂપિયાના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં કરણ અદાણી અને જીત અદાણી પણ હાજર રહ્યા હતા.

'મેક ઈન ઈન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વધુ મજબૂત બનાવશે

આ ડિફેન્સ પ્લાન્ટમાં મિસાઈલ કોમ્પ્લેક્સ, કોમ્પોઝિટ પ્રોપેલેન્ટ યુનિટ અને TNT પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટ 'મેક ઈન ઈન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વધુ મજબૂત બનાવશે તેમજ દેશની સંરક્ષણ ક્ષમતામાં વધારો કરશે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું કે કંપની ભારતમાં જ આધુનિક સંરક્ષણ સાધનોના ઉત્પાદન પર ભાર મૂકી રહી છે. આ માટે DRDO અને ત્રણેય સેનાઓ સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે જેથી રક્ષા ક્ષેત્રે વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટે.

વિસ્ફોટકો માટે જરૂરી વિશેષ સામગ્રીનું પણ ઉત્પાદન કરાશે

તેમણે જણાવ્યું કે ગ્વાલિયરમાં કંપની પહેલેથી જ લાઈટ મશીન ગન (LMG), અસોલ્ટ રાઈફલ અને કાર્બાઈનનું ઉત્પાદન કરી રહી છે અને અત્યાર સુધી ભારતીય સેનાને 2,000 LMGની સપ્લાય નિર્ધારિત સમય કરતાં 11 મહિના પહેલાં પૂર્ણ કરી દેવામાં આવી છે. શિવપુરીમાં બનનારા નવા પ્લાન્ટમાં ટૂંકી, મધ્યમ અને લાંબા અંતરની મિસાઈલો માટે જરૂરી સમગ્ર ઈકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. અહીં માત્ર મિસાઈલ એસેમ્બલી જ નહીં, પરંતુ કોમ્પોઝિટ પ્રોપેલેન્ટ, TNT અને વિસ્ફોટકો માટે જરૂરી વિશેષ સામગ્રીનું પણ ઉત્પાદન કરવામાં આવશે.

50થી વધુ MSME આ પ્રોજેક્ટ સાથે જોડાશે

આ પ્લાન્ટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થશે અને આશરે 5,000 લોકોને સીધો રોજગાર મળશે. ઉપરાંત 50થી વધુ MSME આ પ્રોજેક્ટ સાથે જોડાશે, જેના કારણે ગ્વાલિયર અને શિવપુરી મધ્યપ્રદેશમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના મહત્વપૂર્ણ હબ તરીકે વિકસશે. કાર્યક્રમ દરમિયાન 211.29 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું.

આ પણ વાંચો : Cyber Crime રોકવા માટે એક્શનમાં સરકાર, WhatsApp-Telegram સહિત અનેક પ્લેટફોર્મ પાસે પ્રાઈવસી ફીચર્સ પર માગ્યો જવાબ