વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિદેશ પ્રવાસ ઓછા કરવા અને સોનાની ખરીદી ટાળવાની અપીલ કર્યા બાદ હવે એર ઈન્ડિયાએ પણ મોટો નિર્ણય લીધો છે. વધતા કાચા તેલના ભાવ અને વૈશ્વિક આર્થિક દબાણ વચ્ચે એર ઇન્ડિયાએ તેના આંતરરાષ્ટ્રીય ઓપરેશનમાં ઘટાડો કરવાનો સત્તાવાર એલાન કર્યો છે.
ગ્લોબલ નેટવર્ક જાળવી રાખવામાં આવશે
એરલાઈને અનેક આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ફેરફાર કર્યો છે. જોકે, ઓગસ્ટ 2026 સુધી દર મહિને 1,200થી વધુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું કે દર મહિને 1,200થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા પાંચ મહાદ્વીપોને જોડતું મજબૂત ગ્લોબલ નેટવર્ક જાળવી રાખવામાં આવશે.
કયા વિસ્તારો માટે કેટલી ફ્લાઇટ્સ?
એર ઇન્ડિયા દ્વારા ઉત્તર અમેરિકા માટે દર અઠવાડિયે 33 ફ્લાઇટ્સ, યુરોપ માટે 47 ફ્લાઇટ્સ, યુકે માટે 57 ફ્લાઇટ્સ, ઓસ્ટ્રેલિયા માટે 8 ફ્લાઇટ્સ, દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને SAARC દેશો માટે 158 ફ્લાઇટ્સ તેમજ મોરીશસ (આફ્રિકા) માટે દર અઠવાડિયે 7 ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે.
PM મોદીની અપીલ બાદ નિર્ણય
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અને વિદેશ પ્રવાસ ઓછા કરવાની અપીલ કરી હતી. સરકારનું માનવું છે કે આ પગલાંથી ભારતીય રૂપિયામાં આવી રહેલા દબાણને ઘટાડવામાં મદદ મળશે. હાલમાં ડોલર સામે ભારતીય રૂપિયો 95ના સ્તરને પાર કરી ચૂક્યો છે અને 96 તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.
વધતા તેલના ભાવથી એરલાઈન્સ પર દબાણ
ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની આશંકાને કારણે કાચા તેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ 107 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયા છે. જેના કારણે એરલાઈન્સ કંપનીઓ માટે ઈંધણ ખર્ચમાં ભારે વધારો થયો છે અને નફામાં ઘટાડો થયો છે.
એરલાઇન્સે સરકાર પાસે કરી હતી મદદની માગ
તાજેતરમાં વધતા એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવને કારણે એવિએશન ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધી રહી છે. એરનેડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ સહિતની એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA)એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Gold: તમિલનાડુ હોય કે કેરળ સાઉથના લોકો આટલું સોનું કેમ ખરીદે છે? PM મોદીની અપીલ પછી હવે શું?