તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે લોકોને એક વર્ષ સોનું ન ખરીદવાની અપીલ કરી છે. આ અપીલની બજાર પર મિશ્ર અસર જોવા મળી રહી છે, પરંતુ ભારતની વાત આવે ત્યારે સોનાનો વપરાશ કોઈ સામાન્ય આંકડો નથી. ખાસ કરીને દક્ષિણ ભારતીય રાજ્યોમાં સોના પ્રત્યેનો લગાવ એટલો ઊંડો છે કે દેશના કુલ સ્થાનિક સોનાના વપરાશમાં તેમનો હિસ્સો આશરે 40% જેટલો છે.

સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ

દક્ષિણ ભારતમાં સોનું માત્ર એક ધાતુ નથી, પણ તે પવિત્રતા અને સૌભાગ્યનું પ્રતીક છે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં નામકરણ, અક્ષય તૃતીયા, ધનતેરસ અને મંદિરના ઉત્સવોમાં સોનું ખરીદવું એ એક પરંપરા બની ગઈ છે. અહીં સોનું ખરીદવું એ માત્ર બજારના વલણ પર નહીં, પણ લોકોની આસ્થા અને લાગણીઓ પર આધારિત છે.

લગ્ન પ્રસંગે સોનાનું વર્ચસ્વ

દક્ષિણ ભારતીય લગ્નોમાં સોનું આર્થિક સદ્ધરતા અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે.મીડિયાના અહેવાલ મુજબ, કેરળમાં એક દુલ્હન સરેરાશ 320 ગ્રામ સોનું પહેરે છે, જ્યારે તમિલનાડુમાં આ આંકડો 300 ગ્રામની આસપાસ છે. અહીં સોનાને કન્યાની ભવિષ્યની સુરક્ષા અને 'સ્ત્રીધન' તરીકે જોવામાં આવે છે.

સૌથી સુરક્ષિત રોકાણ અને બેકઅપ મૂડી

દક્ષિણ ભારતના લોકો શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ કરતાં સોના પર વધુ વિશ્વાસ રાખે છે. તે 'જંગમ બચત' છે જેને મુશ્કેલીના સમયે તરત જ વેચી શકાય છે અથવા તેની સામે 'ગોલ્ડ લોન' મેળવી શકાય છે. અંદાજ મુજબ ભારતીય પરિવારો પાસે 25,000 ટન સોનું છે, જેમાં દક્ષિણ ભારતના પરિવારો પાસે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું વધારે સોનું છે.

મહિલાઓની નાણાકીય સુરક્ષા

એક મહત્વની સામાજિક માન્યતા એ છે કે સોનું મહિલાઓની વ્યક્તિગત સુરક્ષા છે. વિશ્વના કુલ સોનાના આશરે 11% હિસ્સો ભારતીય મહિલાઓ પાસે છે. મુશ્કેલ સમયમાં આ સંપત્તિ સૌથી પહેલા કામ આવે છે, તેથી પરિવારો પેઢી દર પેઢી સોનું એકઠું કરવાની આદત ધરાવે છે.

આ પણ વાંચોઃ હવામાન આગાહીમાં હવે ચાલશે AIનો જાદુ, હવે 10 દિવસ પહેલા જ મળશે લોકલ વેધર અપડેટ