ભારતીય રેલવે 280 કિલોમીટર પ્રતિ કલાકની ડિઝાઈન સ્પીડ ધરાવતી પોતાની પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેન તૈયાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ BEML Limitedને ₹866.87 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ અંતર્ગત બે હાઈસ્પીડ ટ્રેનસેટના પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવશે.

વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે

રેલવેનો લક્ષ્યાંક માર્ચ 2027 સુધીમાં પ્રથમ પ્રોટોટાઈપ તૈયાર કરવાનો છે. ત્યારબાદ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ દરમિયાન ઝડપ, સુરક્ષા, બ્રેકિંગ, સ્થિરતા અને મુસાફરોના આરામ સહિતના વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે. દરેક ટ્રેનસેટમાં 8 કોચ હશે અને તેની ડિઝાઈન સ્પીડ 280 KMPH રાખવામાં આવી છે. ટ્રેન 250 KMPHથી વધુ ઝડપે દોડી શકશે. તમામ કોચ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ચેર કાર હશે. મુસાફરો માટે ઓનબોર્ડ ઈન્ફોટેનમેન્ટ, રિક્લાઈનિંગ અને ફરતી સીટ જેવી સુવિધાઓ આપવામાં આવશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું

BEMLએ આ ટ્રેનના નિર્માણ માટે બેંગલુરુમાં 'આદિત્ય' નામનું અલગ હાઈસ્પીડ રેલ કોમ્પ્લેક્સ તૈયાર કર્યું છે. ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાનને ધ્યાનમાં રાખીને ટ્રેનની ડિઝાઈન કરવી પણ એક મોટો પડકાર છે. ભારતમાં ગરમી, ધૂળ અને વિવિધ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે. હાલમાં સ્ટેનલેસ સ્ટીલના ઉપયોગની યોજના છે, જ્યારે 300 KMPHથી વધુ ઝડપ માટે એલ્યુમિનિયમ ટ્રેનસેટ પર પણ વિચારણા ચાલી રહી છે.

પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા

આ પ્રોજેક્ટનું મહત્વ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે પણ મોટું છે. પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા છે. પ્રોટોટાઈપ અને ટેસ્ટિંગ સમયસર પૂર્ણ થાય તો ઓગસ્ટ 2027 સુધીમાં આ રૂટ પર હાઈસ્પીડ ટ્રેન સેવા શરૂ થવાની આશા છે. સરકારે ભવિષ્યમાં વધુ 7 હાઈસ્પીડ રેલ કોરિડોર વિકસાવવાની યોજના પણ જાહેર કરી છે, જેમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, દિલ્હી-વારાણસી સહિતના રૂટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : NTA દેશભરમાં બનાવશે સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ સેન્ટર્સનું નેટવર્ક, AICTEએ સંસ્થાઓ પાસેથી માગ્યો ડેટા