નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પ્રવેશ પરીક્ષાઓના આયોજન માટે દેશભરમાં સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ સેન્ટર્સનું નેટવર્ક મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. આ માટે NTAએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) પાસેથી જરૂરી માહિતી એકત્રિત કરવા સહયોગ માગ્યો છે. ત્યારબાદ AICTEએ દેશભરની માન્યતા પ્રાપ્ત સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પાસેથી તેમના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની વિગતો માગવામાં આવી છે.

સંસ્થાઓએ 15 સપ્ટેમ્બર સુધીમાં આ માહિતી આપવાની રહેશે

AICTEએ એન્જિનિયરિંગ કોલેજો, સરકારી પોલિટેકનિક, યુનિવર્સિટીના વિભાગો અને અન્ય મેનેજમેન્ટ સંસ્થાઓને નિર્ધારિત ફોર્મેટમાં માહિતી રજૂ કરવા જણાવ્યું છે. સંસ્થાઓએ કમ્પ્યુટર્સની સંખ્યા, IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્કિંગ, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, વીજળીના બેકઅપ, CCTV અને અન્ય સુવિધાઓ અંગેની માહિતી આપવાની રહેશે. AICTEએ સંસ્થાઓને સુચના આપી છે કે રજૂ કરવામાં આવતી માહિતી ચોક્કસ અને સંપૂર્ણ હોવી જોઈએ તથા સક્ષમ અધિકારી દ્વારા તેની ચકાસણી કરવામાં આવેલી હોવી જોઈએ. સંસ્થાઓએ 15 સપ્ટેમ્બર સુધીમાં આ માહિતી આપવાની રહેશે. ત્યારબાદ આ વિગતો આગળના મૂલ્યાંકન અને જરૂરી કાર્યવાહી માટે NTA સાથે શેર કરવામાં આવશે.

CBT માટે મોટી સંખ્યામાં સુવિધાસભર કેન્દ્રોની જરૂર પડશે

NTA દ્વારા ટેસ્ટિંગ સેન્ટર્સને મજબૂત બનાવવાનું એક મોટું કારણ NEET-UGને CBT એટલે કે કમ્પ્યુટર આધારિત પરીક્ષા મોડમાં યોજવાની તૈયારી હોવાનું માનવામાં આવે છે. NEET-UG 2026માં પેપર લીક બાદ શિક્ષણ મંત્રાલયે NEET-UG 2027ને CBT મોડમાં યોજવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી લાખો ઉમેદવારોની પરીક્ષા પેન-પેપર મોડમાં એક જ દિવસે લેવામાં આવે છે, જ્યારે CBT માટે મોટી સંખ્યામાં સુવિધાસભર કેન્દ્રોની જરૂર પડશે.

દેશવ્યાપી CBT પરીક્ષા માટે મજબૂત ટેસ્ટિંગ સેન્ટર નેટવર્ક જરૂરી બનશે

આ ઉપરાંત ભવિષ્યમાં NEET-UGને વર્ષમાં ચાર વખત યોજવાની શક્યતા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જો આવું થાય તો દેશવ્યાપી CBT પરીક્ષા માટે મજબૂત ટેસ્ટિંગ સેન્ટર નેટવર્ક જરૂરી બનશે. NTAની કેટલીક પરીક્ષાઓ દરમિયાન ભૂતકાળમાં વીજળી જવી, સર્વર ખામી અને ટેકનિકલ સમસ્યાઓના કારણે પરીક્ષા રદ અથવા પ્રભાવિત થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આવી સમસ્યાઓને ઘટાડવા માટે સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ સેન્ટર્સની વ્યવસ્થા મજબૂત કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

આ પણ વાંચો : PM મોદી-બેલ્જિયમ PM વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક