વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, વેપાર, સંરક્ષણ, સુરક્ષા, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

https://twitter.com/narendramodi/status/2095477137612603508


બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક

PM મોદીએ જણાવ્યું કે ભારત અને બેલ્જિયમ વચ્ચેના સંબંધો ઐતિહાસિક અને ગાઢ છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં ભારતીય સૈનિકોના સાહસ અને બલિદાનને યાદ કરતાં તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો લોકતાંત્રિક મૂલ્યો, મજબૂત બજાર અર્થવ્યવસ્થા અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોને કારણે વધુ મજબૂત બન્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે બેલ્જિયમની કંપનીઓ માટે ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ બનાવવામાં આવ્યું છે. બંને દેશોએ ભારત-બેલ્જિયમ બિઝનેસ ફોરમને નિયમિત વ્યવસ્થા બનાવવાનો નિર્ણય પણ લીધો છે. આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ગુનાખોરી સામે સહયોગ વધારવા પર પણ સંમતિ થઈ

રક્ષા અને સુરક્ષા સહયોગને દ્વિપક્ષીય સંબંધોનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવતા PM મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે મિલિટરી એક્સચેન્જ અને ટ્રેનિંગને પ્રોત્સાહન આપવા માટે સમજૂતીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ શેરિંગ અને ગુનાખોરી સામે સહયોગ વધારવા પર પણ સંમતિ થઈ છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે બેલ્જિયમની ટેકનિકલ નિપુણતા અને ભારતના વિશાળ બજારને એકબીજાના પૂરક ગણાવતા મોદીએ કહ્યું કે બેલ્જિયમના IMEC ઈન્સ્ટિટ્યૂટને ભારતના સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ સાથે જોડવા માટે કામ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ અને મેરીટાઈમ સેક્ટરમાં સહયોગ વધારવા અંગે પણ ચર્ચા થઈ.

આર્થિક સ્થિતિ અંગે PM મોદીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થાએ ગતિ જાળવી રાખી છે અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. તેમણે કહ્યું કે ભારતની વિકાસગાથા વિશ્વ માટે વિશ્વાસ અને નવી તકોનો સ્ત્રોત બની રહી છે.

આ પણ વાંચો : Railwayની સુરક્ષાને લઈ યોજાઈ બેઠક, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું 'નબળી ગુણવત્તાના રેલવે પ્રોડક્ટ સપ્લાયરને બ્લેકલિસ્ટ કરો'