GST કાઉન્સિલની 57મી બેઠકની તારીખ ફરી એકવાર બદલવામાં આવી છે. અગાઉ આ બેઠક 7 ઓક્ટોબર 2026ના રોજ યોજાવાની હતી, પરંતુ હવે તે એક દિવસ પાછળ ખસેડીને 8 ઓક્ટોબર 2026ના સવારે 11 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. બેઠકની તારીખ બદલવા પાછળ ‘અનઅવોઇડેબલ સર્કમસ્ટાન્સિસ’ એટલે કે અનિવાર્ય સંજોગોનું કારણ આપવામાં આવ્યું છે.
અગાઉ પણ બદલાઈ હતી બેઠકની તારીખ
GST કાઉન્સિલની 57મી બેઠક પહેલાં 12 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. ત્યારબાદ 6 સપ્ટેમ્બરના મેમોરેન્ડમ દ્વારા તેની તારીખ બદલીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી. હવે ફરી એકવાર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અધિકારીઓની બેઠક 5 અને 6 ઓક્ટોબરે યોજાવાની છે.
GST કાઉન્સિલની બેઠક કેમ મહત્વની?
GST કાઉન્સિલની છેલ્લી બેઠક સપ્ટેમ્બર 2025માં મળી હતી. તેમાં GST 2.0 હેઠળ અનેક મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. GST દરોની રચનાને સરળ બનાવવાની સાથે કેટલીક લક્ઝરી અને મોંઘી વસ્તુઓ પર 40%નો વિશેષ દર લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ITC, રિફંડ અને Compliance પર ચર્ચાની શક્યતા
57મી બેઠકનો સત્તાવાર એજન્ડા હજુ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, બેઠકમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ, રિફંડ અને GST Compliance જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ટેક્સપેયર્સ માટે રજિસ્ટ્રેશન, રિટર્ન ફાઇલિંગ અને રિફંડ પ્રક્રિયાને સરળ બનાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે.
GSTમાં રજિસ્ટ્રેશન કરનારા વેપારીઓ વધ્યા
GSTની શરૂઆત 1 જુલાઈ 2017ના રોજ કરવામાં આવી હતી. તેનો હેતુ અલગ-અલગ પરોક્ષ કરને એક જ ટેક્સ વ્યવસ્થામાં લાવવાનો હતો. સરકારી આંકડા મુજબ 2017માં આશરે 66.5 લાખ વેપારીઓ GSTમાં રજિસ્ટર્ડ હતા, જે મે 2026 સુધીમાં વધીને 1.65 કરોડ થયા છે.
GST સુધારાના આગામી તબક્કા પર નજર
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં આગામી GST સુધારાના તબક્કા અંગે પણ ચર્ચા થવાની અપેક્ષા છે. રજિસ્ટ્રેશન, રિટર્ન, રિફંડ, વિવાદોના ઉકેલ અને ITCના નિયમોને વધુ સરળ બનાવવાના મુદ્દા મહત્વના બની શકે છે. હવે 8 ઓક્ટોબરની બેઠકમાં કયા નિર્ણયો લેવાય છે તેના પર વેપારીઓ, ઉદ્યોગો અને ટેક્સપેયર્સની નજર રહેશે.
આ પણ વાંચો : Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો