15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધી 'વિકસિત ભારત'નું વિઝન રજૂ કર્યા બાદ કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને વધુ વેગ આપવા માટે વિદેશી સીધા રોકાણ (FDI)ના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટ FDI સંબંધિત બે મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપી શકે છે.

FDIની મર્યાદા 15,000 કરોડ કરવાની વિચારણા 

સૌથી મોટો ફેરફાર FDI પ્રસ્તાવની મંજૂરી પ્રક્રિયામાં થઈ શકે છે. હાલ 5,000 કરોડ રૂપિયાથી વધુના વિદેશી રોકાણ માટેનો પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) સમક્ષ મોકલવો પડે છે. હવે સરકાર આ મર્યાદા વધારીને 15,000 કરોડ રૂપિયા કરવાની વિચારણા કરી રહી છે. જો દરખાસ્તને મંજૂરી મળે તો 15,000 કરોડ રૂપિયા સુધીના રોકાણને CCEAની મંજૂરીની જરૂર નહીં રહે અને સંબંધિત મંત્રાલય પોતાના સ્તરે જ તેને મંજૂરી આપી શકશે.

નવા નિયમોથી મંજૂરીની પ્રક્રિયા સરળ બનશે

આ ઉપરાંત 'ડાઉનસ્ટ્રીમ ઈન્વેસ્ટમેન્ટ' એટલે કે ભારતીય કંપનીઓમાં પરોક્ષ વિદેશી રોકાણના નિયમોમાં પણ રાહત આપવામાં આવી શકે છે. પ્રસ્તાવિત નિયમો મુજબ, જો માલિકીની ચેઈનમાં ઉપર આવેલી ભારતીય કંપનીએ વિદેશી રોકાણ માટે જરૂરી સરકારી મંજૂરી મેળવી લીધી હોય તો તેની નીચેની ભારતીય કંપનીને એ જ રોકાણ માટે ફરીથી મંજૂરી લેવાની જરૂર નહીં પડે.

હાલ સરહદી દેશોમાંથી આવતા રોકાણ અથવા સરકારી મંજૂરી જરૂરી હોય તેવા ક્ષેત્રોમાં આ પ્રકારની મંજૂરીની જોગવાઈ છે. નવા નિયમોથી મંજૂરીની પ્રક્રિયા સરળ બનશે અને રોકાણકારોનો સમય બચશે. નાણાં મંત્રાલય, DPIIT અને નીતિ આયોગ વચ્ચે આ અંગે પ્રાથમિક ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે. હવે કેબિનેટની મંજૂરી બાદ નવા નિયમો અમલમાં આવી શકે છે.

આ પણ વાંચો : TATA Sons AGM : કંપનીની AGMની કરાઈ સ્થગિત, જાણો કારણ