ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં થોડો ઘટાડો કર્યો છે, જોકે ભારતને હજુ પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન આપ્યું છે. IMFના જુલાઈ 2026ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO) અપડેટ મુજબ, નાણાકીય વર્ષ 2026-27 (FY27)માં ભારતની GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. અગાઉ એપ્રિલમાં IMFએ 6.5 ટકાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

IMFએ વિકાસ દરના અંદાજમાં કર્યો વધારો

જોકે, નાણાકીય વર્ષ 2027-28 (FY28) માટે IMFએ વિકાસ દરનો અંદાજ વધારીને 6.7 ટકા કર્યો છે. IMFના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે પડકારો હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત ઘરેલુ માગ, ખાનગી વપરાશ અને સર્વિસ સેક્ટરની સારી કામગીરીથી સતત ટેકો મળતો રહેશે. રિપોર્ટમાં જણાવાયું છે કે ગ્રાહકોનો ખર્ચ અને સેવા ક્ષેત્રની મજબૂતી ભારતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. જોકે, વધતી કોમોડિટી કિંમતો, ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વેપારમાં ધીમી ગતિ જેવા પડકારો હજુ પણ યથાવત રહેશે.

ટેકનોલોજી ક્ષેત્રમાં માગ વધી

IMFના અનુમાન મુજબ વર્ષ 2026માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર ઘટીને 3 ટકા રહી શકે છે, જ્યારે વર્ષ 2027માં તે વધીને 3.4 ટકા થવાની શક્યતા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક સ્થિતિની અસર અર્થતંત્ર પર પડી રહી છે. બીજી તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને નવી ટેક્નોલોજીના ઝડપી વિકાસથી ટેકનોલોજી ક્ષેત્રમાં માગ વધી રહી છે.

RBIનું શું છે અનુમાન?

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પણ FY27 માટે GDP વૃદ્ધિનો અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. RBIએ પશ્ચિમ એશિયાના તણાવ, ઊર્જાના ભાવમાં વધારો, સપ્લાય ચેનની સમસ્યાઓ અને હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓને મુખ્ય કારણ ગણાવ્યા છે. જોકે, IMF અને RBI બંનેનું માનવું છે કે મજબૂત ઘરેલુ માગ અને સેવા ક્ષેત્રની ઝડપને કારણે ભારત આગામી વર્ષોમાં પણ વિશ્વની સૌથી ઝડપથી વધતી મોટી અર્થવ્યવસ્થાઓમાં પોતાની સ્થિતિ જાળવી રાખશે.

આ પણ વાંચો : SEBIએ વિદેશી રોકાણકારો માટે નિયમમાં કર્યો ફેરફાર, હવે રજિસ્ટ્રેશન ફી ડોલરમાં નહીં પણ રૂપિયામાં ચૂકવવી પડશે