ભારત અને ઓમાન વચ્ચેનો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA - Comprehensive Economic Partnership Agreement) 1 જૂન 2026થી સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. આ કરાર અમલમાં આવતા બંને દેશો વચ્ચેના વેપારિક અને આર્થિક સંબંધોને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

https://twitter.com/PMOIndia/status/2061344864743403993


11 અબજ ડોલરથી વધુ પહોંચ્યો દ્વિપક્ષીય વેપાર

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે CEPAના અમલથી ભારતીય નિકાસકારોને ઓમાનના બજારમાં વધુ સારી પહોંચ મળશે. ખાસ કરીને ટેક્સટાઇલ, કૃષિ, દરિયાઈ ઉત્પાદનો, ઓટોમોબાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના અનેક ક્ષેત્રોને તેનો સીધો લાભ મળશે. ભારત અને ઓમાન વચ્ચે લાંબા સમયથી મજબૂત વ્યાપારિક સંબંધો રહ્યા છે. 18 ડિસેમ્બર 2025ના રોજ મસ્કતમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશોની આંતરિક મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તે 1 જૂન 2026થી અમલમાં આવ્યો છે. ઓમાન ખાડી ક્ષેત્રમાં ભારતનો બીજો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને 11.18 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો, જે અગાઉના વર્ષમાં 10.61 અબજ ડોલર હતો.

અનેક ક્ષેત્રોને મળશે સીધો લાભ

ઓમાનનો આયાત બજાર 28 અબજ ડોલરથી વધુનો છે. CEPA અમલમાં આવ્યા બાદ ભારતીય કંપનીઓને આ વિશાળ બજારમાં વધુ તકો મળશે. એન્જિનિયરિંગ સામાન, મશીનરી, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ, દરિયાઈ ઉત્પાદનો, ટેક્સટાઇલ, કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક અને રબર ઉત્પાદનો, ઓટોમોબાઇલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને સૌથી વધુ લાભ થવાની શક્યતા છે. કરાર અમલમાં આવતાં જ મુંબઈ, કોલકાતા અને ચેન્નઈથી કૃષિ ઉત્પાદનો અને રત્ન-આભૂષણોની અનેક નિકાસ ખેપો પ્રાથમિક શુલ્ક દર હેઠળ ઓમાન મોકલવામાં આવી હતી. જેના કારણે ભારતીય નિકાસકારોની ખર્ચમાં ઘટાડો થશે અને નવા બજારો મેળવવામાં સહાય મળશે.

CEPA અને FTA વચ્ચે શું તફાવત?

CEPA પરંપરાગત મુક્ત વેપાર કરાર (FTA) કરતાં વધુ વ્યાપક અને વિસ્તૃત કરાર છે. FTA મુખ્યત્વે આયાત-નિકાસ પરના શુલ્ક ઘટાડવા પર કેન્દ્રિત હોય છે, જ્યારે CEPAમાં માલના વેપાર ઉપરાંત સેવા ક્ષેત્ર, રોકાણ, વ્યાવસાયિકોની અવરજવર, નિયમનકારી સહયોગ, વિવાદ નિવારણ વ્યવસ્થા અને પરસ્પર માન્યતા કરારોનો પણ સમાવેશ થાય છે. આ કરારનો મુખ્ય હેતુ બંને દેશોની અર્થવ્યવસ્થાઓને વધુ નજીકથી જોડવાનો, વેપારિક અવરોધો ઘટાડવાનો અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. CEPAના અમલથી ભારત અને ઓમાન વચ્ચેના આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Stock Market Today: રોકાણકારોની બલ્લે બલ્લે, મિનિટોમાં જ કમાયા 3.15 લાખ કરોડ