દેશમાં મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને મોટો ફટકો પડ્યો છે. ઓક્ટોબર 2026માં છૂટક મોંઘવારી વધીને 6.09% થઈ ગઈ છે, જે સપ્ટેમ્બરમાં 5.5% હતી. ઓક્ટોબર 2024 પછી પ્રથમ વખત છૂટક મોંઘવારી 6%ની સપાટી વટાવી છે. આ આંકડો ભારતીય રિઝર્વ બેંકની 2%થી 6%ની નિર્ધારિત મર્યાદાની ઉપર છે. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો હોવાનું સામે આવ્યું છે.
શહેરી વિસ્તારોમાં મોંઘવારી 6.63%
જાહેર થયેલા આંકડા મુજબ, ઓક્ટોબરમાં શહેરી વિસ્તારોમાં મોંઘવારીનો દર 6.63% નોંધાયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તે 5.41% રહ્યો હતો. સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં ગ્રાહક ભાવોમાં વધારો જોવા મળ્યો છે. દેશમાં ગ્રાહક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાનો આ સતત 12મો મહિનો છે.
ખાદ્ય મોંઘવારી વધીને 8.94% થઈ
ઓક્ટોબરમાં ખાદ્ય મોંઘવારી સપ્ટેમ્બરના 7.75%થી વધીને 8.94% થઈ ગઈ છે. ગ્રાહક ભાવ સૂચકાંકમાં ખાદ્ય ચીજવસ્તુઓનો હિસ્સો આશરે 40% છે. તેથી ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો છૂટક મોંઘવારીને વધારવામાં મોટો ફાળો આપી રહ્યો છે.
ડુંગળીના ભાવ લગભગ બમણા થયા
વર્ષની શરૂઆતથી અત્યાર સુધી ડુંગળીના ભાવમાં લગભગ બમણો વધારો થયો છે. આ ઉપરાંત માંસ, દૂધ અને ઈંડાં જેવી પ્રોટીનયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ છે. અસમાન અને ઓછા ચોમાસાને કારણે મુખ્ય ખાદ્ય ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પડી હોવાનું પણ જણાવાયું છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાથી આયાતી ખાદ્ય તેલ સહિતની ચીજવસ્તુઓની કિંમતમાં પણ દબાણ વધ્યું છે.
આરબીઆઈના મોંઘવારી અંદાજમાં વધારો
ચાલુ નાણાકીય વર્ષ માટે આરબીઆઈએ મોંઘવારીનો સરેરાશ અંદાજ અગાઉના 5%થી વધારીને 5.2% કર્યો છે. અગાઉના સર્વેમાં આ અંદાજ 5.1% હતો. ડિસેમ્બરમાં યોજાનારી નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં વધુ 25 બેસિસ પોઇન્ટનો વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વધારા બાદ રેપો રેટ 5.75% થઈ શકે છે.
આ પણ વાંચો : PM Modiના અંબાજી પ્રવાસને લઈ ટ્રાફિક ડાયવર્ઝન, 14 નવેમ્બર સુધી નવા રૂટ અમલી