દેશમાં મોંઘવારીને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ઓક્ટોબર 2026માં જથ્થાબંધ મોંઘવારીનો દર વધીને 12.29% પર પહોંચી ગયો છે. સપ્ટેમ્બરમાં આ દર 11.39% હતો. એટલે કે એક જ મહિનામાં 0.90 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ જથ્થાબંધ મોંઘવારી 50 મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચી છે. ઓગસ્ટ 2022 પછી પ્રથમ વખત આ દર 12%ને પાર ગયો છે.
ઈંધણ અને વીજળીના ભાવમાં મોટો ઉછાળો
મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ઈંધણ અને વીજળીના ભાવમાં થયેલો વધારો છે. ઓક્ટોબરમાં આ ક્ષેત્રની મોંઘવારીનો દર વધીને 32.84% થયો છે, જ્યારે સપ્ટેમ્બરમાં તે 25.85% હતો. ખનિજ તેલ, કાચું પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને વીજળીના ભાવમાં થયેલા વધારાથી જથ્થાબંધ મોંઘવારી પર દબાણ વધ્યું છે.
વસ્તુઓની મોંઘવારી પણ વધી
સરકારી આંકડા મુજબ, ઓક્ટોબરમાં પ્રાથમિક વસ્તુઓની મોંઘવારીનો દર 9.24% રહ્યો હતો. સપ્ટેમ્બરમાં આ દર 8.67% હતો. આ શ્રેણીમાં કાચો માલ, ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય પ્રાથમિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. બીજી તરફ, તૈયાર ઉત્પાદનોની મોંઘવારી ઓક્ટોબરમાં 9.54% નોંધાઈ હતી, જે સપ્ટેમ્બરના 9.76% કરતાં થોડી ઓછી છે. એટલે કે તૈયાર ઉત્પાદનોના ક્ષેત્રમાં સામાન્ય રાહત જોવા મળી છે.
ખાદ્ય મોંઘવારીમાં નજીવી રાહત
એક તરફ ઈંધણ અને વીજળીના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ ખાદ્ય મોંઘવારીમાં થોડી રાહત મળી છે. ઓક્ટોબરમાં ખાદ્ય સૂચકાંકની મોંઘવારી ઘટીને 8.58% રહી હતી, જ્યારે સપ્ટેમ્બરમાં તે 8.66% હતી. જોકે, ખાદ્ય ચીજવસ્તુઓ, ધાતુઓ, રસાયણો, કાપડ અને રબર-પ્લાસ્ટિક સંબંધિત ઉત્પાદનોના ભાવમાં થયેલા વધારાએ એકંદર જથ્થાબંધ મોંઘવારીને ઉપર ધકેલી છે.
છૂટક મોંઘવારી પણ 6.09% પર પહોંચી
થોડા દિવસ અગાઉ જાહેર થયેલા આંકડા મુજબ, ઓક્ટોબરમાં છૂટક મોંઘવારીનો દર 6.09% નોંધાયો હતો. આ દર 2 વર્ષમાં પ્રથમ વખત ભારતીય રિઝર્વ બેંકની નિર્ધારિત ઊંચી મર્યાદાથી ઉપર ગયો હતો. આમ, જથ્થાબંધ અને છૂટક બંને મોંઘવારીના આંકડા વધતાં સામાન્ય લોકો અને બજાર માટે મોંઘવારીનો મુદ્દો ફરી ચિંતાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : Explainer : ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, જાણો, મંદિરોમાં VIP દર્શનનું અલગ જ ગણિત