વૈશ્વિક સ્તરે આર્થિક મંદી અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે ભારતના વિદેશી વેપાર માટે એક મોટા અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. સરકારી ડેટા અનુસાર, જુલાઈ મહિનામાં અમેરિકા અને ચીન સહિત અનેક દેશોમાં ભારતની નિકાસમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. આ નિકાસ વૃદ્ધિ ભારતની વેપાર ખાધને ઘટાડવામાં અને વિદેશી હૂંડિયામણના પ્રવાહને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અનેક દેશોમાંથી ભારતની આયાતમાં વધારો
વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, જુલાઈમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ ૧૨.૮૫ ટકા વધીને ૯.૦૨ અબજ ડલર થઈ ગઈ છે. જ્યારે બીજી તરફ, ચીન સાથેના સીમા વિવાદ અને આત્મનિર્ભર ભારતની વાતો વચ્ચે ચીની બજારમાં ભારતીય માલના શિપમેન્ટમાં ૬૪.૫૭ ટકાનો અતુલનીય વધારો નોંધાયો છે અને તે ૨.૨ અબજ ડલર સુધી પહોંચી ગઈ છે. એટલે કે આ દેશોમાંથી ભારતની આયાતમાં પણ વધારો થયો છે; જેમાં ચીનથી આયાત ૩૪.૪૨ ટકા વધીને ૧૪.૬૭ અબજ ડલર અને અમેરિકાથી આયાત ૧૮.૧૧ ટકા વધીને ૫.૫ અબજ ડલર રહી છે.
અમેરિકામાં 3 ટકા નિકાસમાં વધારો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના (એપ્રિલ-જુલાઈ) દરમિયાન પણ સમાન સકારાત્મક વલણ જોવા મળ્યું છે. આ સમયગાળામાં અમેરિકામાં નિકાસ ૩ ટકા વધીને ૩૪.૫ અબજ ડલર થઈ છે, જ્યારે ચીનમાં નિકાસ ૩૫.૯૭ ટકા વધીને ૭.૭૮ અબજ ડલર પર પહોંચી છે. જોકે, આ દરમિયાન ચીનથી થતી કુલ આયાત વધીને ૫૨.૭૧ અબજ ડલર થઈ ગઈ છે. નોંધનીય છે કે અમેરિકાએ તાજેતરમાં જ ૨૪ જુલાઈથી ભારત પર વધારાનો ૧૦ ટકા ટેરિફ લાદ્યો હોવા છતાં, ભારતીય નિકાસની ગતિ અકબંધ રહી છે.
ભારતીય નિકાસે નવા રેકોર્ડ બનાવ્યા
માત્ર અમેરિકા અને ચીન જ નહીં, પરંતુ બાકીના વિશ્વમાં પણ ભારતીય નિકાસે નવા રેકોર્ડ બનાવ્યા છે. ગત મહિને સિંગાપોરમાં ભારતની નિકાસ ૮૩.૭ ટકા વધીને ૧.૬ અબજ ડલર થઈ ગઈ હતી, જ્યારે ચાર મહિનામાં તેમાં ૯૭.૧૧ ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, શ્રીલંકા, ઇટાલી અને વિયેતનામ જેવા દેશોમાં પણ નિકાસ સકારાત્મક રહી છે.
દેશના અર્થતંત્ર માટે મજબૂત સંકેત
બીજી બાજુ, કેટલાક દેશો સાથે આયાતમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. જૂન મહિનામાં ઓમાનથી આયાત ૧૫૦.૩૬ ટકા વધીને ૧.૫૭ અબજ ડલર, તાઇવાનથી ૧૧૧.૩ ટકા વધીને ૧.૬૨ અબજ ડલર અને બ્રાઝિલથી ૧૪૬.૭૩ ટકા વધીને ૧.૪ અબજ ડલર થઈ ગઈ છે. જોકે, યુકે, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા અને નેપાળ જેવા કેટલાક દેશોમાં જુલાઈ દરમિયાન નિકાસમાં આંશિક ઘટાડો પણ જોવા મળ્યો છે. એકંદરે, વૈશ્વિક પડકારો છતાં ભારતની નિકાસમાં થઈ રહેલો આ મોટો વધારો દેશના અર્થતંત્ર માટે મજબૂત સંકેત પૂરો પાડે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ઉત્પાદનોની વધતી સ્વીકાર્યતા દર્શાવે છે.
આ પણ વાંચોઃ Fact Check: અબ્રાહમ લિંકનથી સમુદ્રમાં કુદીને આત્મહત્યા કરી રહ્યા છે યુએસ સૈનિકો? જાણો શું છે સત્ય