ભારતે ઈન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી (ISA) સાથે 15 વર્ષનો કરાર કર્યો છે, જેની હેઠળ તેને હિંદ મહાસાગરમાં પોલીમેટાલિક સલ્ફાઈડ્સ શોધવાના વિશિષ્ટ અધિકારો મળશે. આ પોલીમેટાલિક સલ્ફાઇડ્સ દરિયાઈ ઊંડાઈમાં હાઈડ્રોથર્મલ વેન્ટ્સની આસપાસ બને છે અને તેમાં તાંબુ, ઝીંક, સોનું અને ચાંદી જેવી ધાતુઓ હોય છે. આ ધાતુઓ ક્લીન એનર્જી ટેક્નલોજી, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય હાઈ-ટેક ઉપકરણો માટે મહત્વપૂર્ણ છે.
ભારતની દરિયાઈ અને ખનિજ સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવશે
ભારત બે ISA કરારો ધરાવતો પહેલો દેશ છે. પહેલા કરારમાં મધ્ય અને દક્ષિણ પશ્ચિમ ભારતીય પર્વતમાળાઓમાં સંશોધનની મંજૂરી આપવામાં આવી હતી. હવે ભારત ISA દ્વારા ફાળવવામાં આવેલું સૌથી મોટું સંશોધન ક્ષેત્ર ધરાવે છે. ભારત પેસિફિક મહાસાગરમાં ખનિજ સંશોધન લાઈસન્સ મેળવવા માટે પણ આગળ વધી રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ કરારો ભારતની દરિયાઈ અને ખનિજ સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવશે.
બ્લુ ઈકોનોમી કેમ મહત્વપૂર્ણ?
મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે અમે જે વિકસિત ભારતની કલ્પના કરીએ છીએ તેનો માર્ગ બ્લુ ઈકોનોમીમાંથી પસાર થશે. બ્લુ ઈકોનોમી ભારતની વિકાસ યાત્રાનો નવો પાયો બનશે. આજે, ભારતમાં 11,000 કિલોમીટરનો દરિયાકિનારો અને 2.5 મિલિયન ચોરસ કિલોમીટરનો વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર છે. પોલીમેટાલિક સલ્ફાઈડ્સનું અન્વેષણ કરવા ઉપરાંત, ભારત માછીમારી, બંદરો, શિપિંગ અને દરિયાઈ બાયોટેકનોલોજી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
બ્લૂ ઈકોનોમીને મજબૂત બનાવવા પર ભાર
સરકાર બ્લૂ ઈકોનોમીને મજબૂત બનાવવા પર ભાર મૂકી રહી છે અને તેને હાંસલ કરવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. સાગરમાલા કાર્યક્રમ દ્વારા વેપારને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે બંદરોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મત્સ્ય ક્ષેત્રને બદલીને બ્લૂ રિવોલ્યૂશનનો પાયો નાખી રહી છે. ગ્રીન સી ગાઈડલાયન્સનો ઉદ્દેશ્ય બંદરોને પર્યાવરણને અનુકૂળ બનાવવા અને શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ આગળ વધવાનો છે. એ જ રીતે મિશન ઓશન હેઠળ ઊંડા સમુદ્રમાં શોધખોળ માટે મત્સ્ય 6000 નામની સબમરીન તૈયાર કરવામાં આવી છે.