દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના (ECMS) હેઠળ મંજૂરી મેળવનારી કંપનીઓ માટે મંજૂરીપત્રો સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યમંત્રી જિતિન પ્રસાદે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે શરૂઆતમાં આશરે 60 કંપનીઓને મંજૂરી આપવાનું આયોજન હતું, પરંતુ હવે કુલ 106 કંપનીઓને મંજૂરી મળી ચૂકી છે.

https://twitter.com/ANI/status/2089328399164846198

જમીન પર વાસ્તવિક પ્રગતિ થવી મહત્વપૂર્ણ

મંત્રીએ જણાવ્યું કે આજે વધુ 31 કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માત્ર મંજૂરી આપવી પૂરતી નથી, પરંતુ જમીન પર વાસ્તવિક પ્રગતિ થવી મહત્વપૂર્ણ છે. આ માટે તેઓ અધિકારીઓ પાસેથી સતત બે બાબતો અંગે માહિતી લે છે—કેટલું બાંધકામ પૂર્ણ થયું છે અને ઉત્પાદન શરૂ થયું કે નહીં.

રોજગારીની તકોને પણ વેગ મળવાની અપેક્ષા

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 'મેક ઈન ઇન્ડિયા' હેઠળ ભારતે શરૂઆતમાં તૈયાર ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના એસેમ્બલીથી કરી હતી. ત્યારબાદ મોડ્યુલ્સ અને હવે કોમ્પોનન્ટ્સના ઉત્પાદન તરફ આગળ વધવામાં આવ્યું છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન શક્ય બનશે કે નહીં તે અંગે શરૂઆતમાં ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓમાં પણ શંકા હતી.

સરકારે ECMS માટે ₹59,000 કરોડના રોકાણનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જોકે, યોજના હેઠળ અત્યાર સુધીમાં ₹69,000 કરોડનું રોકાણ આકર્ષાયું હોવાનું મંત્રીએ જણાવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ, આ યોજના ભારતને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. સાથે જ સ્થાનિક ઉત્પાદન, સપ્લાય ચેઈન અને રોજગારીની તકોને પણ વેગ મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : Indian Navyને મળશે 2 MQ-9B સી ગાર્ડિયન ડ્રોન, રૂપિયા 1,943 કરોડનો થયો કરાર