ભારત માટે આંતરરાષ્ટ્રીય મોરચે એક મહત્વપૂર્ણ અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. દેશની જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડે આફ્રિકા ખંડના લિબિયામાં તેલ અને ગેસનો નવો ભંડાર શોધી કાઢ્યો છે. આ શોધ ભારતીય ઊર્જા સુરક્ષા માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.

કોણ કરે છે સમગ્ર બ્લોકનું સંચાલન?

ઊર્જા જરૂરિયાત માટે ભારત મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે, ત્યારે વિદેશમાં ભારતીય કંપનીઓ દ્વારા તેલ અને ગેસના નવા સ્ત્રોત શોધવા દેશ માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ છે. આવી શોધ ભવિષ્યમાં કાચા તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થતા ફેરફારોથી થતી અસરને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ શોધ લિબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગદામેસ બેસિનમાં થઈ છે, જે હાઈડ્રોકાર્બન માટે સમૃદ્ધ વિસ્તાર માનવામાં આવે છે. કંપનીએ અહીં ઓનશોર એક્સપ્લોરેશન બ્લોક (95/96)માં સફળતા મેળવી છે. આ પ્રોજેક્ટમાં Indian Oil Corporation સાથે મળીને બનેલા કન્સોર્ટિયમમાં Oil Indiaની 25 ટકા ભાગીદારી છે. સમગ્ર બ્લોકનું સંચાલન SIPEX કંપની દ્વારા કરવામાં આવે છે.

હાઈડ્રોકાર્બનના વિશાળ ભંડારની પુષ્ટિ

પ્રોજેક્ટ અંતર્ગત કુલ 8 ખોદકામ કુવા ખોલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 5 કુવા પૂર્ણ થઈ ચૂક્યા હતા, જેમાંથી 4 કુવામાં 2012થી 2014 દરમિયાન જ તેલ અને ગેસ મળી આવ્યા હતા. હવે તાજેતરમાં ખોદાયેલા છઠ્ઠા કુવા (A1-96/02)માં નવા તેલ અને ગેસના ભંડારની શોધ થઈ છે. પ્રારંભિક પરીક્ષણો બાદ લિબિયાની નેશનલ ઓઇલ કોર્પોરેશન (NOC)એ તેને આ બ્લોકની પાંચમી મોટી શોધ તરીકે જાહેર કરી છે. આથી વિસ્તારમાં હાઈડ્રોકાર્બનના વિશાળ ભંડારની પુષ્ટિ થઈ છે. આ સમાચાર બાદ શેર બજારમાં પણ સકારાત્મક અસર જોવા મળી છે. Oil Indiaના શેરમાં હળવો વધારો નોંધાયો છે અને રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : RIL Q4 Results : મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયો તગડો નફો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.