ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં કાગળની નોટો છાપવાના સતત વધતા જતા ખર્ચને ઘટાડવા અને ચલણમાંથી ફાટેલી કે ગંદી નોટોની સમસ્યાને કાયમ માટે દૂર કરવા માટે એક ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ તમારા ખિસ્સામાં રહેલી કાગળની નોટોનું સ્થાન પ્લાસ્ટિક (પોલિમર) નોટો લઈ શકે છે.
વધતો જતો છાપકામ ખર્ચ અને નુકસાનીનું ભારણ
તાજેતરમાં પટના અને મુંબઈ ખાતે યોજાયેલી સેન્ટ્રલ બેંકની બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવ પર ખૂબ જ ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી છે. આ યોજનાને ટૂંક સમયમાં જ મંજૂરી મળી શકે છે અને સામાન્ય લોકો માટે તેનો એક પાયલોટ પ્રોજેક્ટ પણ બહુ વહેલા શરૂ થવાની સંભાવના છે. આરબીઆઈના નાણાકીય વર્ષ 25 ના વાર્ષિક અહેવાલના સત્તાવાર ડેટા અનુસાર, દેશમાં કાગળની નોટો છાપવા પાછળ ₹6,372.8 કરોડનો જંગી ખર્ચ થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના ₹5,101.4 કરોડ કરતાં ઘણો વધારે છે. આ સાથે જ ક્ષતિગ્રસ્ત (ફાટેલી-ગંદી) નોટોને ચલણમાંથી બહાર કાઢીને તેનો નાશ કરવો એ પણ સેન્ટ્રલ બેંક માટે મોટો પડકાર છે.
વર્ષ 25 માં અંદાજે 23.8 અબજ ખરાબ નોટો ચલણમાંથી બહાર કરાઈ
નાણાકીય વર્ષ 25 માં અંદાજે 23.8 અબજ ખરાબ નોટો ચલણમાંથી બહાર કરાઈ હતી, જેમાં સૌથી વધુ સંખ્યા 500 અને 100 રૂપિયાની નોટોની હતી. દેશમાં યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો હોવા છતાં, રોકડની માંગ સતત વધી રહી છે. 15 મે સુધીમાં ચલણમાં રહેલું કુલ નાણું (CiC) 11.5 ટકાના વધારા સાથે 42.86 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. કાગળની સરખામણીએ પ્લાસ્ટિક નોટોનું આયુષ્ય લાંબુ હોવાને કારણે નવી નોટો છાપવાનું દબાણ નોંધપાત્ર રીતે ઘટી જશે.
નાની નોટોની માંગ અને અદ્યતન ટેકનોલોજીનો સાથ
બજારમાં હંમેશા 10 અને 20 રૂપિયા જેવી નાની નોટોની ખૂબ માંગ રહે છે, પરંતુ કુલ ચલણમાં તેમનો હિસ્સો ઘણો ઓછો છે. વર્ષ 2012 માં તત્કાલીન સરકારે પાંચ શહેરોમાં 10 રૂપિયાની પ્લાસ્ટિક નોટોનું ફિલ્ડ ટેસ્ટિંગ શરૂ કર્યું હતું, પરંતુ તે સમયે ટેકનિકલ અવરોધોના કારણે પ્રોજેક્ટ અટકી ગયો હતો. જો કે, હવે એક દાયકા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ટેકનોલોજી ઘણી અદ્યતન થઈ ચૂકી છે. આજના આધુનિક એટીએમ (ATM) પણ આ પોલિમર નોટોને સરળતાથી ઓળખી અને ગણી શકે તેમ છે, જેથી આ વખતે પ્રોજેક્ટ સફળ થવાની પૂરી આશા છે.
60 થી વધુ દેશોમાં સફળ વ્યવસ્થા
વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક નોટોનો ઉપયોગ નવો નથી. હાલમાં વિશ્વના લગભગ 60 દેશો પોલિમર બેંકનોટ વાપરે છે. ઓસ્ટ્રેલિયાએ સૌપ્રથમ 1988 માં આની શરૂઆત કરી હતી, ત્યારબાદ સિંગાપોર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા એશિયન દેશોએ તેને અપનાવ્યું. યુરોપમાં રોમાનિયા અને ઉત્તર અમેરિકામાં કેનેડા પણ આ સિસ્ટમ લાગુ કરી ચૂક્યા છે. જો કે, અમેરિકન ડૉલર સંપૂર્ણ પ્લાસ્ટિકનો નથી હોતો, તેને ખાસ કપાસ-લિનનના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. ભારતમાં જો આ પ્રયોગ સફળ રહેશે, તો તે દેશની અર્થવ્યવસ્થા માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચોઃ West Bengal: મમતાના નજીકના મિત્રએ જ કર્યો વિશ્વાસઘાત, થોડા દિવસોમાં જ TMC ખતમ થવાનો કર્યો દાવો