નવેમ્બર મહિનો પૂરો થવાના આરે છે અને ડિસેમ્બર 2026 ની શરૂઆત થવામાં માત્ર ચાર દિવસ બાકી છે. વર્ષના અંતિમ મહિનાની શરૂઆત સાથે જ દેશમાં પાંચ મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ, રસોડાના ખર્ચ, વાહન ખરીદી, ક્રેડિટ કાર્ડના ઉપયોગ અને બજારના વ્યવહારો પર પડશે.

1. LPG અને ATF ના ભાવમાં સુધારો:

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1 ડિસેમ્બર, 2026 ના રોજ નવા દર જાહેર થશે, જેની અસર ઘરેલુ રસોડાથી લઈને હોટલ અને રેસ્ટોરન્ટના ભોજન સુધી જોવા મળી શકે છે. તાજેતરમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે, જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર છે. આ સાથે ઉડ્ડયન બળતણ (ATF) ના ભાવમાં પણ ફેરફાર શક્ય છે.

2. SBI ક્રેડિટ કાર્ડના નવા ચાર્જ:

SBI કાર્ડ ધારકો માટે 1 ડિસેમ્બર, 2026 થી નવા નિયમો લાગુ થશે, જેની માહિતી બેંકે ૨૭ ઓક્ટોબરના રોજ આપી હતી. આ નિયમ મુજબ, ₹30,000 થી વધુના ટ્રાન્સપોર્ટ ટ્રાન્ઝેક્શન અને ₹50,000 થી વધુના ફ્યુઅલ ખર્ચ પર 1% ચાર્જ વસૂલવામાં આવશે.

3. ટાટા મોટર્સની કાર મોંઘી થશે:

જો તમે ટાટા મોટર્સની કાર અથવા SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો1 ડિસેમ્બરથી તમારે વધુ ખર્ચ કરવો પડશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે 24 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક સહિત તમામ કારના ભાવ વેરિઅન્ટ મુજબ 0.5% સુધી વધી શકે છે.

4. SEBI ના કોમોડિટી માર્જિન નિયમો:

કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરતા લોકો માટે 1 ડિસેમ્બર, 2026 થી SEBI ના નવા માર્જિન નિયમો અમલમાં આવશે. કોમોડિટીના ભાવમાં થતી વધઘટના આધારે વેપારીઓએ પ્રારંભિક માર્જિન રાખવું પડશે.ઓછી વધઘટ માટે 6%, મધ્યમ માટે 8% અને વધુ વધઘટ માટે 10% માર્જિન નક્કી કરાયું છે.

5. CGST નિયમોમાં સુધારો:

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ 25 નવેમ્બરના રોજ CGST નિયમો 2017 માં સુધારો કર્યો છે, જે 1 ડિસેમ્બરથી લાગુ થશે. તેનાથી GST નોંધણી રદ કરવાની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનશે; પાત્ર અરજીઓ GST પોર્ટલ પર ઓનલાઈન થશે, જ્યારે બાકી રિટર્ન કે લેણાંના કેસ અધિકારી પાસે તપાસ માટે જશે.

આ પણ વાંચોઃ Ahmedabad: શહેરના અનેક વિસ્તારોમાં AQI હાઈ થતાં શ્વાસ લેવો મુશ્કેલ, લાખો રૂપિયાના ખર્ચ છતાં હવા શુદ્ધ કરવામાં તંત્ર નિષ્ફળ