ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા દિશામાં સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયના વ્યય વિભાગે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) 2.0 માટે 1.25 લાખ કરોડ રૂપિયાના બજેટ પ્રસ્તાવને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ આ મંજૂરી અગાઉના ISM 1.0 માટે ફાળવાયેલા 76,000 કરોડ રૂપિયાથી ઘણી વધારે છે.
પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે
વ્યય નાણાં સમિતિ દ્વારા આ ખર્ચને મંજૂરી આપવામાં આવી છે અને હવે આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ યોજના ભારતની ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને મજબૂત બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ફેબ્રુઆરીમાં રજૂ થયેલા બજેટમાં પણ સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ચિપ ઉત્પાદનનું મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે. તેમાં ડિઝાઈન, પ્રોડક્શન, સાધનો, સામગ્રી અને સ્વદેશી ઘટકોના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
