ટાટા ગ્રુપમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટ્રેન્ટ કંપનીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યાના લગભગ એક અઠવાડિયા બાદ નોએલ ટાટાએ હવે ટાટા ગ્રુપની બીજી મોટી કંપની વોલ્ટાસના ચેરમેન પદેથી પણ હટવાની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે કંપનીની 72મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન કરી હતી.


AGMમાં કરી જાહેરાત

શેરહોલ્ડર્સને સંબોધતા નોએલ ટાટાએ જણાવ્યું કે વોલ્ટાસના ચેરમેન તરીકે આ તેમની છેલ્લી AGM રહેશે. તેમણે કંપનીની ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે આંતરિક પ્રમોશન અને નવી નિમણૂકો દ્વારા કંપનીએ મજબૂત મેનેજમેન્ટ ટીમ તૈયાર કરી છે, જે ભવિષ્યમાં ઝડપી વૃદ્ધિ માટે સક્ષમ છે. નોએલ ટાટા 2003માં વોલ્ટાસના બોર્ડમાં જોડાયા હતા અને 2017માં તેમને નોન-એગ્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતા. તેઓ અગાઉ ટ્રેન્ટના ચેરમેન પદેથી પણ હટી ચૂક્યા છે. ટાટા ગ્રુપના સંસ્થાપક પરિવારમાંથી એક મહત્વપૂર્ણ સભ્ય તરીકે તેમની ભૂમિકા લાંબા સમયથી નોંધપાત્ર રહી છે.

રતન ટાટાના અવસાન બાદ ટાટા ગ્રુપના પાવર સ્ટ્રક્ચરમાં અનેક ફેરફારો

ઉલ્લેખનીય છે કે નોએલ ટાટા આ વર્ષના નવેમ્બરમાં 70 વર્ષના થશે. કંપની કાયદા મુજબ 70 વર્ષની ઉંમર પછી કેટલીક નિમણૂકો પર મર્યાદા લાગુ પડે છે, જેના કારણે નેતૃત્વમાં બદલાવ જોવાઈ રહ્યો છે. રતન ટાટાના અવસાન બાદ ટાટા ગ્રુપના પાવર સ્ટ્રક્ચરમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે. ટાટા ટ્રસ્ટ્સ, જે ટાટા સન્સના મોટાભાગના હિસ્સેદાર છે, તેમની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની છે. આ પરિવર્તનો સાથે ગ્રુપમાં નિર્ણય પ્રક્રિયા અને મેનેજમેન્ટ સ્ટ્રક્ચરમાં પણ નવી વ્યવસ્થા ઉભી થઈ રહી છે.

આ પણ વાંચો : Investment Tips: ઘર ખરીદવું કે SIPમાં રોકાણ કરવું? કરોડપતિ બનવાનો સૌથી સુરક્ષિત રસ્તો કયો છે અને તમારા પૈસા ક્યાં ઝડપથી વધશે?


  • Follow us on: