માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ એક આશ્ચર્યજનક વિગત સામે આવી છે. કેન્દ્ર સરકારની અતિ લોકપ્રિય સામાજિક સુરક્ષા સ્કીમ 'અટલ પેન્શન યોજના' (APY) માંથી અત્યાર સુધીમાં આશરે 1.49 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બહાર (Exit) થઈ ગયા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા આપવામાં આવેલા આંકડા દર્શાવે છે કે યોજનામાં સમય પહેલા ખાતું બંધ કરાવનારા અથવા સભ્યના મૃત્યુના કારણે સ્કીમ છોડનારાઓની સંખ્યા સતત વધી રહી છે.
કુલ રજીસ્ટ્રેશન અને સક્રિય ગ્રાહકોની સ્થિતિ
RTI માંથી મળેલી માહિતી અનુસાર, 31 માર્ચ 2026 સુધીમાં અટલ પેન્શન યોજના હેઠળ કુલ નોંધણીનો આંકડો 8.96 કરોડ સુધી પહોંચી ગયો હતો. જો કે, ચિંતાજનક બાબત એ છે કે આમાંથી માત્ર 7.45 કરોડ સબ્સ્ક્રાઇબર્સ જ હાલમાં સક્રિય (Active) રીતે આ યોજના સાથે જોડાયેલા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નોંધણી કરાવનારાઓમાંથી એક બહુ મોટો હિસ્સો હાલમાં આ યોજનાનો સક્રિય લાભ લઈ રહ્યો નથી.
વર્ષ દર વર્ષે યોજના છોડનારાઓનો વધતો ગ્રાફ
વર્ષ 2015 માં યોજનાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન માત્ર 2 લોકોએ આ સ્કીમ છોડી હતી. તેની સરખામણીએ તાજેતરના નાણાકીય વર્ષ 2025-26 માં સ્કીમમાંથી બહાર નીકળનારા લોકોની સંખ્યા વાર્ષિક 30.24 લાખથી વધુ નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ યોજના અધવચ્ચે જ છોડી દેનારાઓનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે.
નવા સભ્યોની નોંધણીમાં ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ
એક તરફ જ્યાં યોજનામાંથી એક્ઝિટ કરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ નવા સભ્યો ઉમેરવાની બાબતમાં આ યોજનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર છેલ્લા નાણાકીય વર્ષ 2025-26 માં જ 1.35 કરોડથી વધુ નવા સબ્સ્ક્રાઇબર્સ આ યોજનામાં જોડાયા છે. યોજનાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોઈપણ એક નાણાકીય વર્ષમાં નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે.
ખાતું બંધ થવા (Discontinuation) અંગે સરકારી સ્પષ્ટતા
જ્યારે RTI દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે કેટલા સભ્યોએ રજીસ્ટ્રેશનના 1, 3 કે 5 વર્ષની અંદર પેન્શન ફંડમાં યોગદાન આપવાનું બંધ કરી દીધું છે, ત્યારે PFRDA એ એક મહત્વની સ્પષ્ટતા કરી હતી. ઓથોરિટીએ જણાવ્યું કે અટલ પેન્શન યોજના નિયમાવલીમાં 'ડિસકન્ટિન્યુએશન' (ખાતું કાયમી બંધ થવું) જેવી કોઈ વ્યવસ્થા નથી. જો કોઈ સભ્ય કોઈ કારણોસર નિયમિત હપ્તો ભરી શકતો નથી, તો તે ભવિષ્યમાં બાકી વ્યાજ અને પેનલ્ટી સાથે વિલંબિત યોગદાન આપીને પોતાનું ખાતું ફરીથી સક્રિય કરી શકે છે.
શું છે અટલ પેન્શન યોજના અને તેના ફાયદા?
અટલ પેન્શન યોજના (APY) ની શરૂઆત વર્ષ 2015 માં ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેમ કે લારી-ગલ્લાવાળા, મજૂરો, સુથાર અને ઘરેલું સહાયકોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વય વચ્ચેના કોઈપણ ભારતીય નાગરિક જોડાઈ શકે છે. સભ્યો દ્વારા કરવામાં આવેલા માસિક રોકાણના આધારે, 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી તેમને રૂ. 1,000 થી લઈને રૂ. 5,000 પ્રતિ માસ સુધીનું ગેરંટીડ પેન્શન આપવામાં આવે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો