સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ગેમિંગ, ફેન્ટસી સ્પોર્ટ્સ અને કેસિનોમાં પૈસા લગાડીને રમાતી ગેમ્સ પર GST વસૂલવાના સરકારના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જ્યારે કોઈ ગેમમાં અનિશ્ચિત પરિણામ પર પૈસા લગાડવામાં આવે છે ત્યારે તે ગેમ 'બેટિંગ' અથવા 'જુગાર'ના સ્વરૂપમાં આવી જાય છે, ભલે તેમાં કુશળતાનું તત્વ હોય.

રિયલ-મની ગેમિંગ પ્લેટફોર્મ્સ માટે હવે GST સંબંધિત નિયમો વધુ કડક બનશે

કોર્ટના આ નિર્ણયથી ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે. ખાસ કરીને ફેન્ટસી સ્પોર્ટ્સ અને રિયલ-મની ગેમિંગ પ્લેટફોર્મ્સ માટે હવે GST સંબંધિત નિયમો વધુ કડક બનશે. સુપ્રીમ કોર્ટે અગાઉના ગેમ્સક્રાફ્ટ કેસમાં આપવામાં આવેલા નિર્ણયને પણ રદ કર્યો છે, જેમાં ગેમિંગ કંપનીને રાહત આપવામાં આવી હતી.

ગેમ્સ પર GST લાગુ, સરકારને મોટી રાહત

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે ગેમમાં ખેલાડીઓ પૈસા લગાવે છે અને પરિણામ અનિશ્ચિત હોય છે, તેથી આવી પ્રવૃત્તિઓ પર GST લાગુ પડે છે. કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદાકીય સુધારાઓ અને GST નિયમોના પૂર્વલક્ષી અમલને પણ માન્યતા આપી છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારને મોટો કાનૂની આધાર મળ્યો છે. સરકારનો લાંબા સમયથી મત હતો કે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો મારફતે મોટી રકમની લેવડદેવડ થાય છે અને તેના પર ટેક્સ વસૂલવો જરૂરી છે. હવે ગેમિંગ કંપનીઓને કરોડો રૂપિયાના GST દાવાઓનો સામનો કરવો પડી શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે આ ચુકાદા બાદ ભારતમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ માટે નવા નિયમો અને નિયંત્રણો વધુ કડક બની શકે છે.

આ પણ વાંચો : Keralam : ઈડીની ટીમ પર હુમલો, પૂર્વ CM વિજયનના સમર્થકોએ અધિકારીઓને બનાવ્યા નિશાન