કેરલમમાં CPI(M) કાર્યકરોએ પ્રવર્તન નિર્દેશાલય (ED) સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તિરુવનંતપુરમમાં પ્રદર્શનકારીઓએ EDની ગાડી પર પથ્થરો ફેંકી હુમલો કર્યો. આ દરમિયાન ED અધિકારીઓની ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ વિરોધ કેરલમના પૂર્વ મુખ્યમંત્રી વિજયન અને પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય મોહમ્મદ રિયાસના ઘરો પર ED દ્વારા કરાયેલી દરોડાની કાર્યવાહી સામે કરવામાં આવ્યો હતો.

https://twitter.com/ANI/status/2059578700820369739


EDની તપાસ 8 કલાક સુધી ચાલી

પ્રદર્શનકારીઓએ રસ્તા જામ કરીને અધિકારીઓનો વિરોધ કર્યો હતો. બેકરી જંકશન ખાતે પિનારાઈ વિજયનના નિવાસસ્થાન બહાર પોલીસ અને CPI(M) કાર્યકરો વચ્ચે અથડામણ પણ થઈ હતી. કોઝિકોડ અને કન્નુરમાં પણ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. કોઝિકોડમાં પોલીસ અને CPI(M) કાર્યકરો વચ્ચે ઝપાઝપી થયા બાદ પાર્ટી નેતાઓએ હસ્તક્ષેપ કરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. EDની તપાસની કાર્યવાહી આશરે 8 કલાક સુધી ચાલી હતી.

કયા કેસમાં EDએ કરી મોટી કાર્યવાહી?

EDએ કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પિનારાઈ વિજયનની પુત્રી વીણા વિજયન અને તેમની કંપની સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. EDએ કન્નુર, એર્નાકુલમ, તિરુવનંતપુરમ અને બેંગલુરુ સહિત આશરે 10 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે CMRL કંપનીએ ખોટા ખર્ચ દર્શાવી કરોડો રૂપિયાની ગેરરીતિ કરી હતી.

2019થી શરૂ થયો હતો કેસ

આ મામલો પ્રથમ વખત 2019માં સામે આવ્યો હતો, જ્યારે ઈન્કમ ટેક્સ વિભાગે CMRL પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન આશરે 130 કરોડ રૂપિયાના શંકાસ્પદ અને ખોટા ખર્ચનો ખુલાસો થયો હતો. બાદમાં કેસની તપાસ SFIOને સોંપવામાં આવી હતી. SFIOની તપાસ મુજબ કંપનીએ છેલ્લા 15 વર્ષમાં લગભગ 182 કરોડ રૂપિયાના ખોટા રોકડ ખર્ચ દર્શાવ્યા હતા. સાથે જ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એસ.એન. સશિધરન કાર્તા અને તેમના પુત્ર સારન કાર્તાને 2015-16થી 2022-23 દરમિયાન અંદાજે 30.63 કરોડ રૂપિયા પગાર અને અન્ય ચુકવણી રૂપે આપવામાં આવ્યા હતા, જ્યારે શેરહોલ્ડરોને કોઈ ડિવિડન્ડ આપવામાં આવ્યું નહોતું.

Exalogicને મળ્યા હતા કરોડો રૂપિયા

મળતી માહિતી મુજબ વીણા વિજયનની કંપની એક્સાલોજિક સોલ્યુશનને CMRL તરફથી આશરે 2.78 કરોડ રૂપિયા IT કન્સલ્ટન્સીના નામે ચૂકવવામાં આવ્યા હતા. ઉપરાંત CMRL સાથે જોડાયેલી બીજી એક કંપનીએ એક્સાલોજિકને 50 લાખ રૂપિયાની લોન પણ આપી હતી. CMRLએ EDની કાર્યવાહી સામે કેરળ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ 26 મે 2026ના રોજ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે EDની તપાસ કાયદેસર છે. ત્યારબાદ EDએ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન રોકાણ અને બેન્ક FD સંબંધિત કેટલાક દસ્તાવેજો પણ મળ્યા હોવાનું EDએ જણાવ્યું છે. હાલમાં એજન્સી સમગ્ર નાણાકીય લેવડદેવડ અને સંભવિત મની લોન્ડરિંગની દિશામાં વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : West Bengal: મમતા બેનર્જીને મોટો ઝટકો, સાંસદ કાકોલી ઘોષે TMCના તમામ પદેથી રાજીનામુ આપ્યુ