પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદથી, તૃણમૂલ કોંગ્રેસ પોતાના જ સાંસદો અને ધારાસભ્યોના વિરોધનો સામનો કરી રહી છે. બારાસતના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારનો અસંતોષ હવે સામે આવ્યો છે. કાકોલી ઘોષે તાજેતરમાં બારાસતના ટીએમસી જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે હવે પાર્ટી સંગઠનમાં અન્ય તમામ પદો પરથી પણ રાજીનામું આપી દીધું છે.

કાકોલી ઘોષે ટીએમસીના તમામ પદોથી આપ્યું રાજીનામુ 

કાકોલી ઘોષે ટીએમસી સંગઠનમાં તમામ પદો પરથી પોતાનું રાજીનામું પાર્ટીના રાજ્ય પ્રમુખ સુબ્રત બક્ષીને સુપરત કર્યું છે. સુબ્રત બક્ષીને લખેલા પત્રમાં, કાકોલી ઘોષે જણાવ્યું હતું કે તેઓ પાર્ટી સંગઠનમાં તમામ પદો છોડી રહ્યા છે. જોકે, કાકોલી ઘોષે ટીએમસીના સભ્યપદથી રાજીનામું આપ્યું નથી; તેઓ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી લોકસભામાં સંસદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. 

ટીએમસીથી કેમ નારાજ છે કાકોલી ઘોષ?

કાકોલી ઘોષ છેલ્લા કેટલાક દિવસોથી ટીએમસીથી નારાજ છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ટીએમસીની હારના થોડા દિવસો પછી, મમતા બેનર્જીએ કાકોલી ઘોષ દસ્તીદારને લોકસભામાં ચીફ વ્હીપ પદ પરથી દૂર કર્યા. મમતા બેનર્જીએ કાકોલી ઘોષ પાસેથી ચીફ વ્હીપની જવાબદારી પાછી ખેંચી લીધી અને કલ્યાણ બેનર્જીને સોંપી. મમતા બેનર્જીના આ પગલાથી કાકોલી ઘોષ દુઃખી અને નારાજ છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

મમતા બેનર્જીના નજીકના સહયોગી 

ટીએમસીના ચીફ વ્હિપ પદેથી હટાવ્યાના થોડા કલાકોમાં જ, કેન્દ્ર સરકારે તેમને 'Y' શ્રેણીની સુરક્ષા કવચ આપી. આ એવા સમયે થયું જ્યારે અભિષેક બેનર્જી સહિત વિવિધ ટીએમસી નેતાઓની સુરક્ષા વિગતો ઘટાડી દેવામાં આવી હતી.એક દિવસ પહેલા જ, કાકોલી ઘોષ, અન્ય છ ટીએમસી ધારાસભ્યો સાથે, મુખ્યમંત્રી  શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં એક વહીવટી સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી. ટીએમસીની સ્થાપના પહેલાથી જ કાકોલી ઘોષ મમતા બેનર્જીના નજીકના સહયોગી રહ્યા છે.


આ પણ વાંચો- Petrol Diesel Latest Price: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરની કિંમત