દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે સીપી રાધાકૃષ્ણન.  દિલ્હી ખાતે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા છે. આ પ્રસંદે પીએમ મોદી, રાજનાથ સિંહ સહિત પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપ્યા બાદ પહેલીવાર જગદીપ ધનખડ કોઇ કાર્યક્રમમાં જોવા મળ્યા છે. અગાઉ તેમણે ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા બાદ સીપીને અભિનંદન આપ્યા હતા.


બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા હતા 

એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં જીત્યા હતા. આ ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. INDIA ગઠબંધનનો દાવો હતો કે તેમના ઉમેદવારને 315 મત મળશે. આનો અર્થ એ થયો કે લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું. 


સીપી રાધાકૃષ્ણન કેટલા શિક્ષિત છે?

સીપી રાધાકૃષ્ણને 1978માં થુથુકુડીમાં કે.વી.ઓ. ચિદમ્બરમ કોલેજ (મદુરાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ) માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) ની ડિગ્રી મેળવી હતી. સીપી રાધાકૃષ્ણન ટેબલ ટેનિસ ચેમ્પિયન હતા. સીપી રાધાકૃષ્ણન માત્ર અભ્યાસમાં જ સારા નહોતા પણ રમતગમતમાં પણ તેમને ખૂબ રસ હતો. તેઓ કોલેજના દિવસોમાં ટેબલ ટેનિસ ચેમ્પિયન હતા અને લાંબા અંતરની દોડમાં પણ સક્રિયપણે ભાગ લેતા હતા. આ ઉપરાંત, તેઓ ક્રિકેટ અને વોલીબોલના પણ શોખીન છે. આ ઉપરાંત, રાધાકૃષ્ણન યોગમાં પણ નિષ્ણાત છે.


લોકસભામાં મજબૂત હાજરી

સીપી રાધાકૃષ્ણન 1998 અને 1999માં કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા. 2004, 2014 અને 2019માં તેમને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, તેમની રાજકીય પકડ નબળી પડી ન હતી. લોકસભા સાંસદ રહીને તેમણે કાપડ મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષપદ સંભાળ્યા હતા. ઉપરાંત, તેઓ સ્ટોક એક્સચેન્જ કૌભાંડની તપાસ માટે રચાયેલી વિશેષ સંસદીય સમિતિના સભ્ય હતા. 2004માં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તાઇવાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનો પણ ભાગ હતા.


પક્ષ સંગઠનમાં મજબૂત ભૂમિકા

1996માં, તેમને ભાજપના તમિલનાડુ એકમના સચિવ બનાવવામાં આવ્યા હતા અને 2007માં જ્યારે તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેમણે 93 દિવસમાં 19000 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢી હતી. આ યાત્રામાં તેમણે નદી જોડાણ, સમાન નાગરિક સંહિતા, અસ્પૃશ્યતા સામે જનજાગૃતિ, આતંકવાદ અને ડ્રગ્સ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેઓ 2016 થી 2020 સુધી કોચી સ્થિત કોઈર બોર્ડના અધ્યક્ષ પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, નારિયેળના રેસા (કોયર) ની નિકાસ ₹2532 કરોડના રેકોર્ડ આંકડાને સ્પર્શી ગઈ. આ પછી, તેમને 2020 થી 2022 સુધી કેરળ ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા.


રાજ્યપાલ તરીકેનો અનુભવ

ફેબ્રુઆરી 2023 માં, રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે, તેમણે તેલંગાણા અને પુડુચેરીનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો. તેમના કાર્યને ધ્યાનમાં રાખીને, તેમને જુલાઈ 2024 માં મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.


નાણાકીય સ્થિતિ કેવી છે?

તેમની મિલકતની વાત કરીએ તો, 2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા સોગંદનામા મુજબ, રાધાકૃષ્ણન પાસે લગભગ ₹67 કરોડની સંપત્તિ છે. આમાં, તેમની કુલ જંગમ સંપત્તિ ₹7.31 કરોડ હોવાનું જણાવાયું છે.


21 જુલાઈએ જગદીપ ધનખડે આપ્યું રાજીનામું

21 જુલાઈ 2025ના રોજ જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચોમાસુ સત્ર 21 જુલાઈના રોજ જ શરૂ થયું. તેમણે દિવસભર સ્પીકર તરીકે સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો અને પછી મોડી સાંજે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરેલા રાજીનામામાં તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો અને આ પછી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.


  • Follow us on: