ઓલા, ઉબેર અને રેપિડો જેવી લોકપ્રિય રાઇડ-હેઇલિંગ એપ્સથી કેબ કે બાઇક ટેક્સી બુક કરાવતા મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે તમામ મોટર વાહન એગ્રીગેટર્સને એડવાન્સ ટિપ્સ સંબંધિત અત્યંત કડક સૂચનાઓ જારી કરી છે. હવે એપ્સ પર રાઇડ બુક કરતી વખતે "ટિપ આપો અને ઝડપથી સવારી મેળવો" જેવા વિકલ્પો જોવા મળશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાઇડ પૂર્ણ થાય તે પહેલાં મુસાફરોને ટિપ આપવા માટે કોઈ પ્રોમ્પ્ટ કે બટન બતાવી શકાશે નહીં.

સરકારની નવી માર્ગદર્શિકા શું કહે છે?

મંત્રાલયના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલીક રાઇડ-હેઇલિંગ એપ્સ રાઇડ કન્ફર્મ થતા પહેલા અથવા ટ્રિપ પૂરી થયા અગાઉ જ મુસાફરોને એડવાન્સ ટિપ આપવાના વિકલ્પો બતાવી રહી છે. એપ્સ દ્વારા એવો દાવો કરવામાં આવતો હતો કે વધુ ટિપ આપવાથી ડ્રાઇવર દ્વારા રાઇડ સ્વીકારવાની સંભાવના વધી જાય છે અથવા વાહન વહેલું પહોંચી જાય છે. સરકારે આ પદ્ધતિને મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકાના નિયમો વિરુદ્ધ ગણાવી છે. નવા નિયમ મુજબ, ટિપ આપવાનો વિકલ્પ માત્ર ટ્રિપ પૂર્ણ થયા પછી જ પ્રદર્શિત થઈ શકશે અને ડ્રાઇવરને ટિપની પૂરેપૂરી રકમ મળવી જોઈએ, જેમાં એગ્રીગેટર કંપની દ્વારા કોઈ પણ પ્રકારની કપાત કરવામાં આવશે નહીં.

માત્ર 'ટિપ' શબ્દ જ નહીં, ગેરમાર્ગે દોરતી તમામ પદ્ધતિઓ પર રોક

મંત્રાલયના પત્ર મુજબ, રાઇડ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ એવું ઇન્ટરફેસ, સંદેશ, એડ-ઓન કે ચુકવણી વિકલ્પ પ્રદર્શિત થવો જોઈએ નહીં જે આડકતરી રીતે એવું સૂચવે કે વધુ પૈસા ચૂકવવાથી રાઇડ ઝડપથી કન્ફર્મ થશે, ડ્રાઇવરની ફાળવણીમાં ફાયદો થશે કે પ્રતીક્ષાનો સમય ઘટશે. જો એપ્લિકેશનની ડિઝાઇન પણ મુસાફરોને વધુ ચૂકવણી કરવા પ્રોત્સાહિત કરતી હશે, તો તેને પણ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે. તમામ એગ્રીગેટર્સને તેમની એપ્સની સમીક્ષા કરીને તાત્કાલિક ધોરણે આવા વિકલ્પો બદલવા સૂચના આપવામાં આવી છે.

અગાઉ પણ ઉઠ્યો હતો આ મુદ્દો

ઉલ્લેખનીય છે કે એડવાન્સ ટિપ્સનો આ વિવાદ નવો નથી. અગાઉ મે મહિનામાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા ઉબેરને નોટિસ જારી કરવામાં આવી હતી. તત્કાલીન ગ્રાહક બાબતોના મંત્રીએ એડવાન્સ ટિપ્સને અનૈતિક અને શોષણકારક ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ટિપ એ સેવા મેળવવાની શરત ન હોઈ શકે, પરંતુ તે સેવા મળ્યા પછી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પ્રતીક છે. હાલમાં જારી કરાયેલ આ પત્ર સલાહકારી સ્વરૂપનો છે, પરંતુ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા રાજ્યો દ્વારા લાગુ થતી હોવાથી હવે રાજ્ય પરિવહન વિભાગોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.

આ પણ વાંચોઃ US : ટેક્સાસમાં આર્મીનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઇલટના મોત