જો તમે શનિવારની રજામાં ક્યાંય બહાર ફરવા જવાનું કે ઓફિસ જવા માટે ઓલા (Ola), ઉબર (Uber) અથવા રેપિડો (Rapido) જેવી એપ-આધારિત ટેક્સી સેવાઓ પર નિર્ભર હોવ, તો તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવી જરૂરી છે. આવતીકાલે એટલે કે 7 ફેબ્રુઆરી, શનિવારના રોજ, દેશભરના કેબ અને બાઈક ટેક્સી ડ્રાઈવરોએ એક સાથે હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે.


ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન શું છે?

ડ્રાઈવર યુનિયનોએ આ આંદોલનને ‘ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન’ નામ આપ્યું છે. આ હડતાલની ખાસિયત એ છે કે ડ્રાઈવરો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવાની સાથે-સાથે પોતાની મોબાઈલ એપ્લિકેશન પણ બંધ રાખશે. આનો અર્થ એ થયો કે જ્યારે તમે રાઈડ બુક કરવાનો પ્રયાસ કરશો, ત્યારે તમને 'No Cabs Available' જેવો મેસેજ જોવા મળી શકે છે અથવા તો વેઈટિંગ પીરિયડ ખૂબ જ વધારે જોવા મળશે.

મુસાફરો પર થનારી અસર

આ હડતાલમાં માત્ર કેબ જ નહીં, પરંતુ રૅપિડો અને અન્ય કંપનીઓ સાથે જોડાયેલા ઑટો રિક્ષા અને બાઈક ટેક્સી ચાલકો પણ જોડાવાના છે. તેના કારણે એરપોર્ટ અને રેલવે સ્ટેશન જનારા મુસાફરોને ભારે હાલાકી પડશે.મેટ્રો સિટીઝમાં ઓફિસ જતા લોકોએ ખાનગી વાહનો કે જાહેર પરિવહન પર નિર્ભર રહેવું પડશે. ડિમાન્ડ વધવાને કારણે જે થોડા-ઘણા વાહનો ઉપલબ્ધ હશે, તેમાં 'સર્જ પ્રાઇસિંગ' (Surge Pricing) ના કારણે ભાડામાં તોતિંગ વધારો જોવા મળી શકે છે.

ડ્રાઈવરોની માંગણીઓ શું છે?

લાંબા સમયથી કેબ ડ્રાઈવરો કંપનીઓ દ્વારા લેવામાં આવતા ઉંચા કમિશન અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે યોગ્ય ભાડું ન મળવાને કારણે નારાજ છે. ડ્રાઈવરોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

કંપનીઓ પોતાનું કમિશન ઘટાડે અને ડ્રાઈવરોની ચોખ્ખી આવકમાં વધારો કરે.

કિલોમીટર દીઠ લઘુત્તમ ભાડામાં વધારો કરવામાં આવે.

ડ્રાઈવરો માટે સામાજિક સુરક્ષા અને વીમા કવચની જોગવાઈ કરવામાં આવે.

એપ પર ગ્રાહકો દ્વારા અપાતા રેટિંગના આધારે આડેધડ આઈડી (ID) બ્લોક કરવાની પદ્ધતિ બંધ થાય.

વૈકલ્પિક વ્યવસ્થાનો આગ્રહ

પરિવહન નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે મુસાફરોએ આવતીકાલે બસ, મેટ્રો અથવા લોકલ ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારે અત્યંત જરૂરી કામ હોય, તો ખાનગી ટેક્સી ઓપરેટરોનો અગાઉથી સંપર્ક કરી લેવો હિતાવહ રહેશે.


આ પણ વાંચોઃ Abu Dhabiમાં શાંતિ મંત્રણા સફળ, રશિયા-યુક્રેન વચ્ચે 314 યુદ્ધબંદીઓની અદલા બદલી પર મંજૂરી


  • Follow us on: