સંયુક્ત અરબ અમીરાતની યજમાનગીમાં 4 અને 5 ફેબ્રુઆરીના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ ત્રિપક્ષીય શાંતિ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમેરિકા, રશિયા અને યુક્રેનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો. આ વાટાઘાટોમાં યુદ્ધ સમાપ્ત કરવા તરફ એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે.


314 યુદ્ધબંદીઓની મુક્તિ

અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ બેઠકની સફળતા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે થયેલી સહમતિ મુજબ, રશિયા અને યુક્રેન પોતપોતાની કસ્ટડીમાં રહેલા 157-157 યુદ્ધબંદીઓને (કુલ 314) મુક્ત કરશે. છેલ્લા પાંચ મહિનામાં આ સૌથી મોટી અદલા-બદલી છે, જેને શાંતિ પ્રક્રિયાના પાયા તરીકે જોવામાં આવી રહી છે.

સૈન્ય સ્તરે સંવાદની પુનઃ શરૂઆત

આ બેઠકની બીજી મોટી સફળતા એ છે કે અમેરિકા અને રશિયા વચ્ચે સૈન્ય સ્તરે સંવાદ ફરી શરૂ કરવા પર સહમતિ થઈ છે. યુદ્ધ શરૂ થયા બાદ આ ચેનલ બંધ થઈ ગઈ હતી. હવે અમેરિકન યુરોપિયન કમાન્ડના કમાન્ડર જનરલ એલેક્સ ગ્રિનકેવિચ આ સંવાદનું નેતૃત્વ કરશે, જે ભવિષ્યમાં સૈન્ય ટકરાવ ઘટાડવામાં મદદરૂપ થશે.

ભવિષ્યની રણનીતિ

બેઠક દરમિયાન માત્ર કેદીઓની મુક્તિ જ નહીં, પરંતુ કાયમી યુદ્ધવિરામ કેવી રીતે અમલમાં મૂકવો અને સૈન્ય ગતિવિધિઓ પર કેવી રીતે દેખરેખ રાખવી તે અંગે પણ ગહન ચર્ચા થઈ હતી. ત્રણેય દેશોના પ્રતિનિધિઓ આગામી સપ્તાહોમાં પણ આ વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે. આ પ્રયાસોમાં યજમાન યુએઈ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સક્રિય ભૂમિકાની સરાહના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ US: ન્યૂક્લિયર વાટાઘાટો પૂર્વે ઈરાનનો આક્રમક મિજાજ,ફારસી ખાડીમાંથી 2 વિદેશી તેલ ટેન્કરો જપ્ત


  • Follow us on: