એક તરફ વિશ્વ આખું અમેરિકા અને ઈરાન વચ્ચે ઓમાનની રાજધાની મસ્કટમાં યોજાનારી પરમાણુ વાટાઘાટો તરફ નજર માંડીને બેઠું છે, ત્યાં બીજી તરફ ઈરાને સમુદ્રમાં મોટી કાર્યવાહી કરીને તણાવ વધારી દીધો છે. ઈરાનના 'રેવોલ્યુશનરી ગાર્ડ' (IRGC) એ ફારસી ખાડીમાં ઈંધણની કથિત તસ્કરીના આરોપસર બે વિદેશી તેલ ટેન્કરોને જપ્ત કર્યા છે.

10 લાખ લીટર ઈંધણ અને 15 લોકોની ધરપકડ

નૌકાદળના પ્રાદેશિક કમાન્ડર જનરલ હૈદર હોનારિયન મોજર્રદના જણાવ્યા અનુસાર, આ બંને ટેન્કરો ફારસી ટાપુ નજીકથી પકડવામાં આવ્યા હતા. આ જહાજોમાં આશરે 10 લાખ લીટર (6,300 બેરલ) ડીઝલ ભરેલું હતું. જપ્તી બાદ બંને ટેન્કરોને ઈરાનના બુશહેર બંદર પર લઈ જવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં ટેન્કર પર સવાર 15 કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. જોકે, ઈરાને હજુ સુધી આ જહાજો કયા દેશના હતા અથવા ધરપકડ કરાયેલા લોકો કઈ રાષ્ટ્રીયતાના છે તેની સત્તાવાર જાહેરાત કરી નથી.

વાટાઘાટોના ટેબલ પર ટકરાવની સ્થિતિ

આ ઘટના એવા સમયે બની છે જ્યારે આજે શુક્રવારે સવારે 10 વાગ્યે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે ચર્ચા થવાની.આ બેઠકમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ આમને-સામને હશે. વર્ષ 2015ના ઐતિહાસિક JCPOA કરારને ફરીથી જીવંત કરવા અથવા નવા કરારના માળખા પર આ બેઠકમાં ચર્ચા થવાની છે.

શું આ ઈરાનનું દબાણ લાવવાનું નુસખો છે?

નિષ્ણાતો માને છે કે ઈરાન અવારનવાર આવી કાર્યવાહી કરીને અમેરિકા અને તેના સાથી દેશો પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે. ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર સૈન્ય અને આર્થિક દબાણ વધારવાની નીતિ અપનાવી છે, તેની સામે ઈરાને તેલ ટેન્કરો જપ્ત કરીને પોતાની દરિયાઈ તાકાતનો પરચો આપ્યો છે.