કેન્દ્ર સરકારની મંત્રિપરિષદની મહત્વપૂર્ણ બેઠક સેવા તીર્થ ખાતે લગભગ સાડા ચાર કલાક સુધી ચાલી. બેઠક દરમિયાન સરકારના મુખ્ય એજન્ડા, સુધારાઓ અને આગામી વર્ષોના વિકાસ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાની સલાહ આપી.

માળખાકીય સુધારાઓ પર વિશેષ ધ્યાન આપો

વડાપ્રધાને કહ્યું કે દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે ભારત કેવી સ્થિતિમાં હશે તે દિશામાં આજથી જ આયોજન કરવું જરૂરી છે. સરકારના દરેક નિર્ણય અને નીતિમાં લાંબા ગાળાનું વિઝન દેખાવું જોઈએ તેવો પણ તેમણે ભાર મૂક્યો હતો. બેઠકમાં ‘Ease of Living’ અને માળખાકીય સુધારાઓ (Reforms) પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ અને સુવિધાજનક બનાવવાની દિશામાં સરકાર કામ કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું કે સરકારનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ, પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં યોગ્ય સમયે સહાય અને સુધારાઓ પહોંચવા જોઈએ. આ અભિગમને ‘Minimum Government, Maximum Governance’ની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

તમામ મંત્રાલયોએ વિભાગોની કામગીરી રજૂ કરી

બેઠક દરમિયાન અડધા ડઝનથી વધુ મંત્રાલયોએ પોતાના વિભાગોની કામગીરી અને યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા સુધારાઓ અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત વિદેશ મંત્રી એસ.જયશંકરે વડાપ્રધાનની તાજેતરની પાંચ દેશોની મુલાકાત અંગે મંત્રિપરિષદને વિગતવાર માહિતી આપી હતી અને તેના વ્યૂહાત્મક મહત્વ અંગે સમજણ આપી હતી.

આ પણ વાંચો : NTA ચીફે સંસદીય કમિટીની સામે કહ્યું 'NEET પેપર લીક થયું નથી, CBI કહેશે ત્યારે સ્વીકારીશું'