દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026ના કથિત પેપર લીક મામલે હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુરુવારે સંસદની શિક્ષણ સંબંધિત સ્થાયી સમિતિ સમક્ષ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ટોચના અધિકારીઓને હાજર રહેવા બોલાવવામાં આવ્યા હતા. સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ છે. બેઠક દરમિયાન વિપક્ષના સાંસદોએ NTA અધિકારીઓને તીખા સવાલો પૂછ્યા હતા.

એજન્સી હજુ સુધી તેને 'પેપર લીક' માનતી નથી

NTA તરફથી ચેરમેન પ્રદીપ કુમાર જોશી અને ડિરેક્ટર જનરલ અભિષેક સિંહ હાજર રહ્યા હતા. બેઠકમાં NTAના DG અભિષેક સિંહે સ્પષ્ટ કહ્યું કે પરીક્ષાનું પેપર તેમના સિસ્ટમમાંથી લીક થયું નથી અને એજન્સી હજુ સુધી તેને “પેપર લીક” માનતી નથી. આ નિવેદન બાદ વિપક્ષે સવાલ ઉઠાવ્યો કે જો પેપર લીક થયું જ નહોતું તો પરીક્ષા રદ કેમ કરવામાં આવી અને ફરી પરીક્ષા લેવાની જરૂર શા માટે પડી? અધિકારીઓએ જવાબમાં કહ્યું કે કેટલીક “ગેરરીતિઓ” સામે આવી હતી અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. જોકે વિપક્ષી સભ્યો NTAના જવાબોથી સંતુષ્ટ ન હતા.

મામલો ગંભીર બનતા CBIએ તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે NEET UG 2026ની પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી. બાદમાં વોટ્સએપ અને ટેલિગ્રામ પર પ્રશ્નપત્રની PDF વાયરલ થતાં વિવાદ ઉભો થયો હતો. મામલો ગંભીર બનતા CBIએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા નેટવર્કનો ખુલાસો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. CBIની પ્રાથમિક તપાસ મુજબ પ્રશ્નપત્ર હાથથી લખીને સ્કેન કરવામાં આવ્યું હતું અને બાદમાં કોચિંગ નેટવર્ક મારફતે ફેલાવવામાં આવ્યું હતું. આરોપીઓ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલતા હોવાના આક્ષેપ પણ થયા છે. હાલ કેસની તપાસ ચાલુ છે અને ફરી પરીક્ષા 21 જૂને યોજાવાની છે.

આ પણ વાંચો : Chenab River Projects: ચેનાબ નદી પર ₹2600 કરોડના બે ગુપ્ત પ્રોજેક્ટ શરૂ, પાકિસ્તાનમાં ફફડાટ!