મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સક્રિય બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં પશ્ચિમ એશિયાની હાલની પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

https://twitter.com/narendramodi/status/2039388414131556674


બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સ્થિતિની સમીક્ષા કરી અને ભારત પર તેની શક્ય અસર અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર રહ્યા. ચર્ચામાં ખાસ કરીને કૃષિ, ખાતર અને શિપિંગ સેક્ટર પર યુદ્ધના પ્રભાવ અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સપ્લાય ચેઈન પર અસરને ધ્યાનમાં રાખીને LPG અને CNGના પુરવઠા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ.

જીવન જરુરી ચીજોના ભાવ સ્થિર રાખવા પર ચર્ચા

સરકારે સ્પષ્ટ કર્યું કે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કોઈ ખલેલ ન પડે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સૂચના આપી કે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવે. સાથે જ અફવા ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી સામાન્ય નાગરિકોમાં ગભરાટ ન ફેલાય.

બેઠકમાં એ પણ નિર્ધારિત કરવામાં આવ્યું કે મિડલ ઈસ્ટના સંકટનો સીધો પ્રભાવ ભારતના સામાન્ય માણસ પર ન પડે તે માટે સરકાર સંપૂર્ણ સજ્જ છે. કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂર મુજબ તરત નિર્ણય લેવામાં આવશે. આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર વૈશ્વિક સંકટ વચ્ચે દેશની આર્થિક અને સામાજિક સ્થિરતા જાળવવા માટે ગંભીરતાથી કાર્યરત છે.

આ પણ વાંચો : Chandigarh: પંજાબ ભાજપ કાર્યાલયની બહાર વિસ્ફોટ, દૂર દૂર સુધી છરાઓ વિખરાયેલા મળી આવ્યા